…તો અકસ્માત માટે માત્ર ડ્રાઇવર નહીં પણ ટ્રાવેલ્સ કંપની પણ જવાબદાર રહેશે…
મુંબઇ: રાજ્યમાં દિવસે દિવસે ટ્રાવેલ્સની બસના અકસ્માતના કિસ્સા વધી રહ્યાં છે. આવા અકસ્માતોમાં બસ ડ્રાઇવર પર કાર્યવાહી થાય છે. પણ ટ્રાવેલ્સ કંપની તેમાંથી બાકાત રહે છે. પણ હવે આ કંપનીઓ પર પણ કાર્યવાહી થશે. આવી કંપનીઓ તમામ લાભ લે છે, પણ જ્યારે અકસ્માત થાય છે ત્યારે જવાબદારી નકારી દે છે. ત્યારે હવે આવી કંપનીઓની જવાબદારી નક્કી કરો એવો પ્રસ્તાવ પરિવહન વિભાગે કેન્દ્રીય પરિવહન મંત્રાલયને મોકલ્યો છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં દિવસે દિવસે વહાનોની સંખ્યા વધી રહી છે. સાડા ત્રણ કરોડથી વધુ વાહનો હોવાથી અકસ્માત અને અકસ્માતમાં મૃત્યુના કેસ વધી રહ્યાં છે. પાછલાં વર્ષે નવેમ્બર સુધી 30 હજાર 857 રોડ એક્સિડેન્ટમાં 13,579 લોકોનું મૃત્યુ થયું હતાં. જ્યારે 13 હજારથી વધુ ઇજાગ્રસ્ત થયા હતાં.
આ અંગે વાત કરતાં ટ્રાન્સપોર્ટ કમીશનર વિવેક ભિમનવારે કહ્યું કે, બસ અકસ્માતમાં ડ્રાઇવર સાથે સંબંધિક કંપની બધા જ લાભ લે છે. પણ અકસ્માતની જવાબદારી લેતી નથી. આવી કંપનીઓની જવાબદારી નક્કી કરો એવો પ્રસ્તાવ પરિવહન વિભાગે ત્રણ મહિના પહેલાં રસ્તા પરિવહન મંત્રાલયને મોકલ્યો છે.
એક્સપર્ટ્સના મત મુજબ બસ અકસ્માતમાં બસ કંપનીની જવાબદારી નિશ્ચિત કરવી એ વાત ખરેખર આવકાકર્ય છે. ઘણા વાર એમ બને છે કે બસ ડ્રાઇવર થાકી ગયો હોય છે. છતાં તેને વધુ પૈસા આપી બસ ચલાવવા મજબૂર કરવામાં આવે છે. કેટલીક બસ ખરાબ હોવા છતાં ચલાવવામાં આવે છે. તેથી બસ અકસ્માત થઇ મુસાફરોનું મૃત્યુ થાય છે.