રાજ્ય સરકાર પેરોલ પર છૂટેલા વિદેશી ડ્રગ પેડલરનું ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ કરશે: ફડણવીસ
ડ્રગ્સના દૂષણ પર ઝીરો ટોલરન્સની નીતિ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકાર નાર્કોટિક્સના કેસમાં પેરોલ પર બહાર આવેલા વિદેશી નાગરિકોનું ઈલેક્ટ્રોનિક ગેજેટના માધ્યમથી ટ્રેકિંગ કરવાની વિચારણા કરી રહી છે.
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોવાની કબૂલાત કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે નાઈજિરિયન નાગરિકો પહેલાં ડ્રગ્સ વેચાણ કરતા હતા, પરંતુ હવે ડાર્કનેટ અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ મેસેજના માધ્યમથી ડ્રગ્સના ઓર્ડર આપવા માટે કરવામાં આવી રહ્યો છે અને કુરિયરના માધ્યમથી ડિલિવરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગોરેગામમાં 1.15 કરોડનું હેરોઇન જપ્ત: બે ડ્રગ પેડલરની ધરપકડ…
તેમણે કહ્યું હતું કે કુરિયર કંપનીઓની કચેરીમાં તપાસ કરવામાં આવી છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો તેમના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી થઈ હોવાનું જણાશે તો તેમને જવાબદાર ઠેરવવામાં આવશે.
ફડણવીસે કહ્યું હતું કે સરકાર નાઈજિરિયનો અને અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા લોકોનું સરકાર ટ્રેકિંગ કરી રહી છે. જોકે, જ્યાં સુધી તેમની સામેના કેસનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેમનું પ્રત્યાર્પણ કરી શકાતું નથી.
આ પણ વાંચો: ડ્રગ પેડલર્સને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: મહિલા કોન્સ્ટેબલ જખમી
ફડણવીસે એમ પણ કહ્યું હતું કે નાર્કોટિક્સ સંબંધી કેસમાં કોઈપણ પોલીસ કર્મચારી સીધી કે આડકતરી રીતે સંડોવાયેલો હોવાનું ધ્યાનમાં આવશે તો તેને બરતરફ કરી નાખવામાં આવશે.
પુણેમાં સાત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી તેમણે ગૃહને આપી હતી અને ડ્રગ્સના મામલે રાજ્ય સરકારની નીતિ ઝીરો ટોલરન્સની હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.