મહારાષ્ટ્રની એઆઈ નીતિની જાહેરાત એપ્રિલમાં થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્ય એપ્રિલ સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અંગેની નીતિની જાહેરાત કરશે, જોકે તેમણે ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા સામે ચેતવણી પણ ઉચ્ચારી હતી.
માહિતી અને ટેકનોલોજી ખાતાના પ્રધાન ભાજપના વિધાનસભ્ય શ્રીકાંત ભારતીય દ્વારા શરૂ કરાયેલી એઆઈ પરની ચર્ચા દરમિયાન વિધાનસભા પરિષદમાં ઉપરોક્ત જાણકારી આપી હતી.
તેમણે ભારપુર્વક જણાવ્યું હતું કે, એઆઈને હાલના માળખાના રિપ્લેસમેન્ટને બદલે સપોર્ટ સિસ્ટમ તરીકે જોવું જોઈએ.
તેમણે એઆઈ દ્વારા જનરેટ કરેલી માહિતી પર વધુ પડતી નિર્ભરતા સામે ચેતવણી આપી હતી. ‘એઆઈ દ્વારા મેળવેલી કોઈપણ માહિતી રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત નથી. તેથી તેના પર સંપૂર્ણપણે આધાર રાખવો ખતરનાક રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર પહેલી એઆઈ પોલીસી બનાવશે, આઈટી વિભાગ આ વર્ષના અંતમાં ડ્રાફ્ટ રજૂ કરશે
રાજ્ય સરકારે ક્ષમતા નિર્માણ, ડેટા સુરક્ષા, સંશોધન અને કૌશલ્ય વિકાસમાં એઆઈ એપ્લિકેશન્સનું અન્વેષણ કરવા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે, એવી માહિતી તેમણે આપી હતી.
સરકાર આગામી ચાર વર્ષમાં શિક્ષકો, વ્યાવસાયિકો, મહિલાઓ અને સરપંચો સહિત 50,000 વ્યક્તિઓને ‘સાયબર સુરક્ષા યોદ્ધાઓ’ તરીકે તાલીમ આપવાનું પણ લક્ષ્ય રાખે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓ અધિકારીઓને ચેતવણી આપવા માટે એલાર્મ સિસ્ટમ તરીકે કામ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: એઆઈ અને સ્ટાર્ટ-અપ્સ પર ધ્યાન આપીને ટેકનોલોજી મહારાષ્ટ્રના વિકાસનો પાયો નાખશે: મુખ્ય પ્રધાન
શેલારે કહ્યું કે નવી ટેકનોલોજી માટે નૈતિક માર્ગદર્શિકા હજુ પણ વિકસિત થઈ રહી છે. ‘આ તબક્કે એઆઈ પર આધારિત શિક્ષણ નીતિ ઘડવી મુદતપૂર્વ ગણાશે,’ એમ તેમણે કહ્યું હતું.
શિક્ષણમાં એઆઈ ઉપયોગિતા ધરાવે છે, ખાસ કરીને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે, એમ તેમણે જણાવ્યું હતું. ‘એઆઈ વ્યક્તિગત શિક્ષણને સરળ બનાવી શકે છે, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે તે પૂરક છે, વિકલ્પ નથી,’ એમ પણ તેમણે જણાવ્યું હતું.