મહારાષ્ટ્ર સુરક્ષા બિલ ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે: ફડણવીસ

નાગપુર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભા દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા બિલ, 2024, ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે.
જે લોકો બિલનો વિરોધ કરે છે તેઓ ‘ડાબેરી ઉગ્રવાદની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ એમ જણાવતાં ફડણવીસે અહીં પત્રકારોને કહ્યુંં હતું કે આ બિલમાં સરકાર સામે વિરોધ કરવાનો કે બોલવાનો કોઈનો અધિકાર છીનવાઈ ગયો નથી.
ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી આ બિલની મુખ્ય વિશેષતાઓમાં સાત વર્ષ સુધીની કેદ, પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અને તેના હેઠળ નોંધાયેલા ગુનાઓને દખલપાત્ર અને બિન-જામીનપાત્ર તરીકે વર્ગીકૃત કરવાનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશેષ જાહેર સુરક્ષા બિલ મંજૂર, મુખ્ય પ્રધાને ખાતરી આપી કે દુરુપયોગ નહીં થાય
ગુરુવારે રાજ્ય વિધાનસભા અને શુક્રવારે કાઉન્સિલ દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલની સંમતિ મળતાં જ તે અમલમાં આવશે.
‘શહેરી નક્સલવાદ’ વર્ધા જિલ્લામાં ગાંધીવાદી સંસ્થાઓમાં ઘૂસી રહ્યો છે, એવા ભાજપના વિધાનસભ્ય સુમિત વાનખેડેના દાવા અંગે પૂછવામાં આવતાં ફડણવીસે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ‘શહેરી નક્સલવાદ’ને ખૂબ જ યોજનાબદ્ધ રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
‘જ્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે જંગલોમાં તેમના કાર્યકરો ઓછા થઈ રહ્યા છે, ત્યારે તેમણે (માઓવાદીઓએ) એક વ્યૂહાત્મક પરિવર્તન કર્યું હતું. તેમણે શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અથવા અન્ય વિવિધ સંગઠનોમાં પ્રવેશ કરીને ત્યાં બંધારણીય શાસનનો અંત લાવવા અને આ શહેરી કાર્યકરો દ્વારા અરાજકતા ફેલાવવાનું નક્કી કર્યું હતું,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી સફળતા, અમેરિકન સંસદમાં પસાર થયું વન બિગ બ્યુટીફૂલ બિલ
‘બંદૂકો સાથે લડતા લોકોને જોઈ શકીએ છીએ, પરંતુ આ શહેરી (નક્સલ) કાર્યકરો અદ્રશ્ય છે અને ધીમે ધીમે સિસ્ટમને ભ્રષ્ટ કરી રહ્યા છે. તેથી, આ નવો કાયદો શહેરી નક્સલવાદ સામે મોટી કાર્યવાહી કરવામાં અમને મદદ કરશે,’ એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
ફડણવીસે કહ્યું હતું કે 12,000થી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા જેને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા, અને બંને ગૃહોમાં ચર્ચા પછી બિલને મંજૂરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: ટ્રમ્પ-મસ્ક વચ્ચે રાજકીય તિરાડ: ટ્રમ્પના બિલને ગણાવ્યું ‘ગાંડપણ’, આપી રાજકીય પક્ષ રચવાની ધમકી
‘જે લોકો બિલની વિરુદ્ધ બોલે છે તેઓ એક રીતે ડાબેરી ઉગ્રવાદની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલે સરકાર સામે વિરોધ કરવાનો, બોલવાનો કે લખવાનો કોઈનો અધિકાર છીનવી લીધો નથી,’ એમ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.
દેશની કાનૂની વ્યવસ્થા અનન્ય પડકારોનો સામનો કરી રહી છે અને તેને સુધારવાની ખૂબ જ જરૂર છે એવા ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈના તાજેતરના નિવેદન વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું હતું કે સીજેઆઈની ટિપ્પણીઓ એકદમ સાચી છે. ‘આપણી ફોજદારી ન્યાય વ્યવસ્થાને ઝડપી બનાવવાની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘મને લાગે છે કે એક તરફ કાયદો છે, બીજી તરફ સિસ્ટમ છે, અને ત્રીજી બાજુ કોર્ટ છે. જ્યારે કોર્ટ ધીમે ધીમે તેને સ્વીકારશે ત્યારે ફોજદારી ન્યાય વ્યવસ્થા ઝડપી બનશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.