Maharashtra ST કર્મચારીઓ આંદોલન કરવા મક્કમ

મુંબઈ: નહીં સ્વીકારાયેલી આર્થિક માંગણી માટે કામગાર સંયુક્ત કૃતિ સમિતિએ એસટી મહામંડળ પ્રશાસન સાથે ગઈકાલે મિટિંગ કરી હતી. રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે આ વિષયની રજૂઆત કરી સકારાત્મક નિર્ણય લેવામાં આવશે, પણ આંદોલન પાછું ખેંચો એવી ચર્ચા આ મિટિંગમાં થઈ હતી. જોકે, જ્યાં સુધી નક્કર નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી 9 ઓગસ્ટના આંદોલનનો નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે એવું વલણ એસટી કર્મચારી (Maharashtra ST Employee’s agitaion) સંગઠને લીધું છે.
રાજ્ય સરકારી કર્મચારીઓની જેમ જ એસટી કર્મચારીઓને વેતન, મોંઘવારી ભથ્થું, ઘરભાડામાં વધારો, દર વર્ષે પગાર વધારો જેવી વિવિધ નહીં સ્વીકારાયેલી 13 આર્થિક માંગણીઓ માટે એસટી મહામંડળના સર્વ એસટી કર્મચારી સંગઠન સક્રિય થયા છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 60 કરવાનું મુખ્ય પ્રધાનનું આશ્ર્વાસન
આ પાર્શ્વભૂમિ પર એસટી મહામંડળ સાથે એક મિટિંગ તાજેતરમાં પાર પડી હતી. બે કલાક ચાલેલી આ બેઠકમાં એસટી મહામંડળના ઉપાધ્યક્ષ તેમજ વ્યવસ્થાપકીય સંચાલક ડો. માધવ કુસેકર સહિત એસટીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રમાં એસટી પ્રશાસન દ્વારા સમગ્ર રાજ્યને કવર કરી લેવામાં આવે છે, જ્યારે 14,500 જેટલી બસની સર્વિસીસ છે. સમગ્ર મહારાષ્ટ્ર અને પડોશી રાજ્યો કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આશરે 57 લાખથી વધુ પ્રવાસી આ રાજ્ય સંચાલિત બસમાં મુસાફરી કરે છે. એસટી બસ રાજ્યના ગ્રામીણ તેમજ શહેરી ભાગોમાં પરિવહનનું એક પસંદગીનું માધ્યમ છે, પરંતુ કર્મચારીઓના વધતા અસંતોષનું ભોગ ક્યારેક પ્રવાસીઓને બનવું પડે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.