મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ, ઉદ્ધવ સેનાના છ સાંસદ શિંદેના સંપર્કમાં

મુંબઇઃ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારની હાર બાદ શિવસેના ઠાકરે જૂથમાં ભારે હલચલ મચેલી છે. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં મહાયુતિની સરકાર છે. મહાયુતિ સરકાર આગામી પાંચ વર્ષ માટે મજબૂત હોવાથી ઠાકરે જૂથના લોકો પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત છે. એવામાં હવે એવા સમાચાર આવ્યા છે જે ઉદ્ધવ ઠાકરેની ઊંઘ ઉડાવી દેશે. ઉદ્ધવ ઠાકરે જૂથના છ સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે અને તેઓ ટૂંક સમયમાં જ શિંદેના પક્ષમાં ભળી જશે. જોકે આ છ સાંસદો ખરેખર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
ઑપરેશન ટાઇગરની ચર્ચાઃ-
છેલ્લા ઘણા દિવસથી શિંદે જૂથના ઓપરેશન ટાઈગર વિશે ચર્ચા ચાલી રહી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન ટાઇગરમાં શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસના ઘણા નેતાઓ શિવસેના શિંદેના જૂથમાં જોડાઈ જશે. એવું પણ જાણવા મળ્યું છે કે ઓપરેશન ટાઇગર માટેની શિંદે સેનાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સંસદ સત્ર પહેલા શિવસેના ઠાકરે જૂથના છ સાંસદો શિવસેનાના શિંદે જૂથમાં જોડાઈ જશે.
પક્ષ પલટા વિરોધી કાયદો નહીં લાગે કારણ કે….. :-
શિવસેના ઠાકરે જૂથના નવ સાંસદ છે. પક્ષ પલટા વિરોધી કાયદાને કારણે છ સાંસદોએ પક્ષપલટો કરવો જરૂરી છે નહીં તો તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેથી પક્ષ પલટા વિરોધી કાયદાથી બચવા માટે છ સાંસદની સંખ્યા જરૂરી હતી અને છ સાંસદને સમજાવવામાં પણ સમય લાગ્યો પરંતુ આખરે શિંદે સેના છ સાંસદને મનાવવામાં સફળ રહી છે. છ સાંસદોએ પક્ષપલટો કરવાની તૈયારી દર્શાવી હોવાથી પક્ષપલટો વિરોધી કાયદાની સમસ્યા નહીં આવે.
ઉદય સામંતે શું કહ્યું?
એકનાથ શિંદેની શિવસેનાના નેતા અને રાજ્યના કેબિનેટ પ્રધાન ઉદય સામંતે થોડા દિવસ પહેલા જ દાવોસની બિઝનેસ સમિટ ખાતેથી રાજકીય ભૂકંપનો દાવો કર્યો હતો. હવે ફરીથી તેમણે જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિત મહા વિકાસ અઘાડીના ઘણાં નેતાઓ શિંદેના સંપર્કમાં છે અને તેઓ ધીમે ધીમે શિંદેની શિવસેનામાં જોડાઈ જશે. આ જન પ્રતિનિધિઓને એકનાથ શિંદેનું નેતૃત્વ વધારે સંવેદનશીલ અને ભાવનાત્મક લાગ્યું છે. જોકે, ઠાકરેની શિવસેનાના કયા સાંસદો શિંદે સેનામાં જોડાશે તે વિશે તેમણે ફોડ પાડ્યો ન હતો અને જણાવ્યું હતું કે આ વિશે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવતી નથી.
ઠાકરેના સાંસદોનું શું માનવું છે? :-
ઠાકરે જૂથના સાંસદોનું માનવું છે કે પક્ષ અને પ્રતિકનો મુદ્દે ઘણો ગૌણ છે. લોકોએ પણ એને નજર અંદાજ કર્યો છે. એકનાથ શિંદેના નેૃતૃત્વમાં લડાયેલી વિધાન સભાની ચૂંટણીમાં લોકોએ તેમને સ્વીકાર્યા છે અને વિધાન સભાની ચૂંટણીથી તેમને ઓળખ મળી. તેમનો મોટો વિજય થયો અને તેમણે પાંચ વર્ષ માટે મજબૂત સરકાર બનાવી છે. કેન્દ્રમાં પણ ભાજપની જ સરકાર હોવાથી તેંમને કોઇ સમસ્યા નહીં થાય અને મહારાષ્ટ્રમાં વિકાસ કાર્યોને વેગ મળશે.
આ પણ વાંચો…દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ અવોર્ડ્સના નામે સરકાર અને બેંકો સાથે છેતરપિંડીના કેસમાં એફઆઈઆર
દરમિયાન હવે થોડા દિવસોમાં જ સ્પષ્ટ થઈ જશે કે ઠાકરેના સાંસદો ખરેખર એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કે પછી શિંદેની શિવસેના દ્વારા ફક્ત આવી હવા જ ઉભી કરવામાં આવી છે.