દાવોસમાં મહારાષ્ટ્રમાં રોકાણ માટે 15.70 લાખ કરોડના એમઓયુ
15.75 લાખથી વધુ રોજગારની તક, રિલાયન્સ, એમેઝોન, ક્રોસરેલ સાથે એમઓયુ

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત દાવોસની મુલાકાતે છે. દાવોસમાં પહેલા દિવસે 4.99 લાખ કરોડ રૂપિયાના રોકાણના કરાર થયા હતા અને બીજા દિવસે આ લખાય છે ત્યાં સુધીમાં કુલ 53 કંપની સાથે સમજૂતીના કરાર થયા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતની હાજરીમાં મહારાષ્ટ્ર સરકાર અને બાલાસોર એલોય્સ લિમિટેડ વચ્ચે એક ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાલાસોર એલોય્સ વિશ્ર્વની અગ્રણી ઉચ્ચ-કાર્બન ફેરોક્રોમ ઉત્પાદક કંપની છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રિલાયન્સ સાથે પણ કરાર કર્યો છે. આનાથી મહારાષ્ટ્રના યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે. અત્યાર સુધીમાં દાવોસમાં મહારાષ્ટ્ર સરકારે 53 સમજૂતીના કરાર કર્યા છે, જેમાં એમેઝોન, ક્રોસરેલ, એમએસએન, હેઝેરો ઈન્ડસ્ટ્રીઝ, ટોરલ ઈન્ડિયા, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ, એમટીસી જેવી કંપનીનો સમાવેશ થાય છે. આ કરારના માધ્યમથી રાજ્યમાં 15.70 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાની શક્યતા નિર્માણ થઈ છે. આની સામે રાજ્યમાં 15.75 લાખ રોજગારનું પણ નિર્માણ થશે.
મહારાષ્ટ્ર સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ત્રણ લાખ પાંચ હજાર કરોડ રૂપિયાના ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે અનંત અંબાણીના નેતૃત્વમાં નવી ઉર્જા, છૂટક વેચાણ, આતિથ્ય અને હાઇ-ટેક ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં ત્રણ લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન થયું છે.
આ પ્રસંગે, અનંત અંબાણીએ વિકસિત ભારતના નિર્માણમાં પરિવર્તનશીલ પ્રયાસો બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. આ પ્રસંગે આરઆઈએલવતી અનંત અંબાણીએ કહ્યું કે તેઓ નવા ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. મહારાષ્ટ્રને ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ લઈ જવાના પ્રયાસો બદલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આભાર માન્યો. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ટૂંક સમયમાં વન ટ્રિલ્યન ડોલરનું અર્થતંત્ર બનશે. મહારાષ્ટ્રના વિકાસને વેગ આપનારા આ ઐતિહાસિક રોકાણ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અનંત અંબાણીનો આભાર માન્યો હતો.