મહારાષ્ટ્રના આઠ આદિવાસી બહુલ જિલ્લાઓમાં સુધારિત અનામત ધોરણો લાગુ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે આઠ આદિવાસી બહુલ જિલ્લાઓ, એટલે કે નાશિક, ધુળે, નંદુરબાર, પાલઘર, યવતમાળ, રાયગઢ, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી પોસ્ટ્સ માટે સુધારિત અનામત ધોરણો અને પોઈન્ટ-આધારિત રોસ્ટર પદ્ધતિ લાગુ કરી છે, એમ રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું.
બાવનકુળેની આગેવાની હેઠળની કેબિનેટ સબ-કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણોને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ ખાતાના જણાવ્યા મુજબ, આ પ્રદેશોમાં વિવિધ સામાજિક શ્રેણીઓની હાલની અનામત ટકાવારી અને વસ્તી રચનાનું મૂલ્યાંકન કર્યા પછી સુધારિત રોસ્ટરને ઔપચારિક બનાવવામાં આવ્યા છે.
આ અનામતમાં અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), વિમુક્ત જાતિ (વીજે-એ), વિચરતી જનજાતિ (એનટી-બી, એનટી-સી, એનટી-ડી), ખાસ પછાત વર્ગ (એસબીસી), અન્ય પછાત વર્ગ (ઓબીસી), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઈબીસી), અને આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબ્લ્યુએસ) માટેના ક્વોટાનો સમાવેશ કરીને રચના કરવામાં આવી છે.
એસઈબીસી અધિનિયમ 2024 હેઠળ રાજ્ય સરકારે સરકારી સેવાઓમાં સીધી ભરતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત ફાળવી છે. જોકે, જિલ્લાવાર અનામતની ટકાવારી સ્થાનિક વસ્તી વિષયક રચનાના આધારે બદલાશે.
સુધારિત અનામત પેટર્નનો હેતુ સામાજિક-શૈક્ષણિક અને વસ્તી વિષયક ડેટાના આધારે પછાત અને આદિવાસી સમુદાયો માટે પ્રમાણસર પ્રતિનિધિત્વ સુનિશ્ર્ચિત કરવાનો છે. નવા રોસ્ટર સંબંધિત જિલ્લઓમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી શ્રેણીઓમાં ભવિષ્યની બધી સીધી ભરતીઓ પર લાગુ થશે, એમ બાવનકુળે દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં સર્પમિત્રોને સત્તાવાર ઓળખપત્ર અને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે: બાવનકુળે