2030 સુધીમાં મહારાષ્ટ્રમાં બિન-પરંપરાગત સ્ત્રોતોમાંથી 50 ટકા ઊર્જા જરૂરિયાતો પૂરી કરાશે: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે 2030 સુધીમાં મહારાષ્ટ્ર બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાંથી તેની 50 ટકા ઊર્જા જરૂરિયાતોનું ઉત્પાદન કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.
ફડણવીસ રાજ્યના ઉર્જા મંત્રી પણ છે, તેમણે નાગપુર એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ)માં અવાડા ઇલેક્ટ્રો પ્રાઇવેટ લિમિટેડના સંકલિત સોલાર ઇન્ગોટ – વેફર, સેલ, મોડ્યુલ અને ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન એકમના શિલાન્યાસ કર્યો ત્યારે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
આ પણ વાંચો: પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પણ આજના સમયની જરૂરિયાત: ઉપરાષ્ટ્રપતિ ધનખડ
મહારાષ્ટ્રમાં સૌર ઉર્જા ક્ષેત્રે ઘણા ફેરફારો થઈ રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. માત્ર અઢી વર્ષમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 20,000 મેગાવોટના સોલાર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, એવી માહિતી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આપી હતી.
આઝાદી પછીના આટલા વર્ષોમાં રાજ્ય પાસે 40,000 મેગાવોટ સૌર ઊર્જાની ક્ષમતા છે, એમ તેમણે નોંધ્યું હતું.
જોકે, હવે માત્ર એક વર્ષમાં સોલાર પંપ સ્ટોરેજ પ્રોજેક્ટની ક્ષમતા 55,000 મેગાવોટ છે. તેવી જ રીતે, પવન અને સૌર પ્રોજેક્ટ્સની ક્ષમતા લગભગ 20,000 મેગાવોટ છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પવન ઊર્જાની ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો દેશમાં ડંકો
મહારાષ્ટ્ર સરકાર જે રીતે સૌર અને બિન-પરંપરાગત ઊર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, ‘2030 સુધીમાં મહારાષ્ટ્ર બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાંથી 50 ટકા ઊર્જાનું ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય બનશે,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.
અવાડા પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કંપની પ્રોજેક્ટમાં લગભગ રૂ. 14,000 કરોડનું રોકાણ કરશે અને એપ્રિલ 2025 સુધીમાં ઉત્પાદન શરૂ થવાની ધારણા છે. ફડણવીસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં 51 ટકા મહિલા કર્મચારીઓની ભાગીદારી સાથે 5,000 સીધી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.