વરસાદે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારીઃ જાણો મુંબઈ લોકલ ટ્રેનની હાલત? | મુંબઈ સમાચાર
Top Newsમહારાષ્ટ્ર

વરસાદે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારીઃ જાણો મુંબઈ લોકલ ટ્રેનની હાલત?

અવિરત વરસાદથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર પ્રકોપ, સિઝનનો કેટલો વરસાદ પડ્યો?

મુંબઈઃ મુંબઈ, થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફરી મેઘરાજાએ શ્રાવણ મહિનાના માફક મંડાણ કર્યા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ આફતનું નિર્માણ કર્યું છે. અનેક જિલ્લામાં પૂર અને અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થઈ રહી છે, ત્યારે સતત પડી રહેલા વરસાદે સરકારની ચિંતામાં ઔર વધારો કર્યો છે. આગામી 72 કલાકના રેડ એલર્ટ વચ્ચે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ છે, જ્યારે થાણેમાં છેલ્લા 24 કલાકમાં 100 મિલમિટરથી વધુ વરસાદ પડવાથી જનજીવન પર સૌથી વધુ અસર થઈ છે.

મુંબઈમાં શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની પાંખી હાજરી સાથે જાહેર પરિવહન ક્ષેત્રે લોકલ ટ્રેનો અત્યાર સુધી ચાલુ હોવાથી નોકરિયાત વર્ગે રાહતનો દમ લીધો છે, પરંતુ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં લાંબા અંતરની ટ્રેનસેવા પર સવારે અસર પડી હતી. મુંબઈમાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે નવરાત્રીના ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે. તકેદારીના ભાગરુપે એનડીઆરએફની છ ટીમ તહેનાત કરી છે, જ્યારે એર ઈન્ડિયાએ પણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ

રવિવારે બ્લોકનો દિવસ હોવા છતાં અમુક ટ્રેન મોડી દોડવા સિવાય ટ્રેનો ચાલુ હોવાથી પ્રવાસીઓને રાહત થઈ છે. જોકે સવારથી લઈ બપોરના મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ મોડી દોડતી હતી, પરંતુ વરસાદનું પણ જોર વધી જાય તો રેલ અને રોડ ટ્રાફિકને અસર થઈ શકે છે. થાણે, રાયગઢ અને પાલઘરમાં રેડ એલર્ટ સિવાય મુંબઈમાં બોરીવલી, કાંદિવલી, મલાડ, વસઈ, વિરાર સહિત સેન્ટ્રલ લાઈનમાં દાદર, કુર્લા, ઘાટકોપર, થાણે સહિત ડોંબિવલીમાં દિવસભર ભારે વરસાદને કારણે જાહેર સ્થળોએ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ નોંધાયો?

- Weather forecast - Stormy rains - Weather alert

બાંદ્રા-સી લિંક રોડ, કોસ્ટલ રોડ સહિત શહેરના અનેક રસ્તાઓ પર દિવસભર ધુંધળુ વાતાવરણને કારણે રોડ પરનો ટ્રાફિક દિવસભર સ્લો રહ્યો છે. કાળા વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાની કારણે વાહનચાલકો પણ હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને વ્હિકલ ચલાવવાની ફરજ પડી હતી. બપોરના બે વાગ્યા પછી ભરતીનો દિવસ હોવાથી દરિયાકિનારે અગિયાર ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા હતા, જ્યારે પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ અપીલ કરી છે. કોલાબા વેધશાળામાં છેલ્લા 24 કલાકમાં 120 મિલિમીટર અને સાંતાક્રુઝમાં 83.8 મિલિમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ધરાવનારા વિસ્તારોમાં મલબાર હિલ 120, મુલુંડ 121, દહીસર 120, માગાથાણે 115, મલાડ 111 અને કોલાબામાં 109 મિલિમીટર વરસાદ પડ્યો છે, જ્યારે મુંબઈમાં આ સિઝનનો કુલ 112 ટકા વરસાદ નોંધાયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: વરસાદ ઓક્ટોબર સુધી બનશે મહારાષ્ટ્રનો મહેમાન?: હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં પૂર પ્રકોપ

મરાઠવાડા ક્ષેત્રમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા ગામો અને નુકસાન પામેલા પાકો દર્શાવતી તસવીર.

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. નાશિકના યેવલા તાલુકામાં ભારે વરસાદને કારણે ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર સહિત અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉંદિરવાડીમાં વાદળ ફાટવાને કારણે ભારે વરસાદ પડવાથી એક પોલ્ટ્રી ફાર્મ ધસી પડ્યું હતું. ઉપરાંત, સંભાજીનગરના ખુલ્તાબાદ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. નદી કિનારાની નહેરોમાં પણ વરસાદી પાણી ફરી વળવાને કારણે ખેડૂતોને નુકસાન થવાની શંકા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. રેડ એલર્ટ વચ્ચે એનડીઆરએફની વિવિધ ટીમ પૈકી મહારાષ્ટ્રમાં સોલાપુરમાં 2 ટીમ, ધરણશિવમાં બે ટીમ, બીડ-લાતુરમાં એક-એક ટીમને તહેનાત રાખવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વરસાદને કારણે લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર

વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન

રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે નંદગાંવ રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ફરી વળવાને કારણે લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર પડી છે. ધુળે-દાદર પેસેન્જર ટ્રેન અને દેવલાલી ભુસાવળ પેસેન્જર ટ્રેનના પ્રવાસીઓ રખડી પડ્યા હતા. ઉપરાંત, નાશિકમાં પણ ભારે વરસાદને જનજીવન પર મોડી રાતથી લઈને દિવસભર અસર રહી હતી.
શિરડીમાં મુશળધાર વરસાદથી અહમદનગર-મનમાડ હાઈવે ડૂબ્યો હતો, જ્યારે બે યુવાન પણ નાળામાં તણાયા હોવાના અહેવાલ હતા. પુણેમાં ભારે વરસાદને કારણે ખડકવાસલા ડેમમાંથી મુથા નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદથી મરાઠવાડાના ખેડૂતો માટે 1,500 કરોડની સહાયની જાહેરાત કરી છે, જ્યારે વિપક્ષ પણ વધુ મદદ જાહેર કરવાની અપીલ કરી રહ્યું છે, ત્યારે વધતા વરસાદે સરકારની ચિંતામાં ઔર વધારો કર્યો છે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button