New Criminal Laws અમલમાં મૂકવા મહારાષ્ટ્ર પોલીસ તૈયાર, જાણો શું કાયદા અમલી થશે?

મુંબઈઃ આઉટડેટેડ એટલે કે જૂનવાણી થઇ ગયેલા બ્રિટીશકાલીન આઇપીસી (ઇન્ડિયન પિનલ કોડ)ના સ્થાને ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બીએનએસ (ભારતીય દંડ સંહિતા) કાયદાને અમલ (New Criminal Laws)માં મૂકવા માટે મહારાષ્ટ્ર પોલીસ તૈયાર છે. આવતીકાલથી ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (ક્રિમિનલ પ્રોસિજર કોડ) અને ભારતીય શિક્ષા અધિનિયમ (એવિડન્સ એક્ટ) કાયદાને મહારાષ્ટ્રમાં અમલમાં મૂકવામાં આવશે.
આ વિશે માહિતી આપતા મહારાષ્ટ્રના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) રશ્મી શુક્લાએ જણાવ્યું હતું કે નવા કાયદાના અમલ માટે 90 ટકા પોલીસ દળને પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. મહારાષ્ટ્ર પોલીસ એકેડમીએ વિવિધ સ્તરે પોલીસકર્મીઓને પ્રશિક્ષણ આપવા માટે જુદા જુદા એકમો તૈયાર કર્યા હતા.
અમે તેમને માર્ગદર્શન આપવા માટે જુદા જુદા 74 શોર્ટ વીડિયો પણ બનાવ્યા હતા, જેમાં નવા ક્રિમિનલ લો એટલે કે ફોજદારી કાયદાની જાણકારી હતી જેનો ઉપયોગ તે જાણકારી મેળવવા માટે ક્યારે પણ કરી શકે છે. આ ઉપરાંત, ત્રણ દંડ સંહિતાનું મરાઠીમાં ભાષાંતર પણ કરી નાંખવામાં આવ્યું છે.
જોકે, શરૂઆતમાં કાયદાઓનો અમલ કરવો પોલીસકર્મીઓ માટે જમીની સ્તરે થોડો મુશ્કેલ થઇ શકે અને તેમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા રશ્મી શુકલાએ નકારી નહોતી. તેમણે કહ્યું હતું કે ગંભીર ગુનાઓનું ફરજિયાત વીડિયો રેકોર્ડિંગ જેવા નિયમોનો અમલ કરવો શરૂઆતમાં મુશ્કેલ પુરવાર થઇ શકે.
આ પણ વાંચો : Auto-Taxi ચાલકોની મનમાની પર ‘લગામ’: RTOને ફરિયાદ માટે નંબર જારી
તેમણે કહ્યું હતું કે વીડિયો રેકોર્ડિંગ બાબતે અમને હજી સુધી કોઇ માર્ગદર્શિકા આપવામાં આવી નથી. જેથી અમે માનીએ છીએ કે અમારે અમારા ખાનગી ફોનથી વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત ઓનલાઇન મળતી દરેક ફરિયાદને એફઆઇઆર તરીકે નોંધવામાં આવશે. જોકે, આ બાબતે અમારે થોડું નિરીક્ષણ કરવું પડશે, કારણ કે અનેક લોકો ખોટા અફવાહ ફેલાવતા ફોન પણ કરતા હોય છે.
ઉલ્લેખનીય છે કે નવા કાયદાઓમાં બે મહિનાના સમયગાળાની અંદર મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓની તપાસ પૂરી કરવી જેવી જોગવાઇ કરવામાં આવી છે. જોકે, તેમાં દેશદ્રોહ, આત્મહત્યાનો પ્રયાસ, અકુદરતી સેક્સ અને લગ્નબાહ્ય સંબંધ જેવા ગુનાઓને બાકાત રાખવામાં આવ્યા છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સેમ-સેક્સ એટલે કે સમલૈંગિક સંબંધોને તેમ જ લગ્નબાહ્ય સંબંધોને ગુનાની શ્રેણીમાંથી કાઢી નાંખ્યા છે.
જ્યારે બીજી બાજુ બેદરકારીના કારણે મૃત્યુ નિપજાવવું જેમ કે અકસ્માત, સરકારી કર્મચારીના કામમાં બાધા નાંખવી, છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત જેવા ગુનાઓની કડક સજાની અને વધુ આકરા દંડની જોગવાઇ નવા કાયદામાં કરવામાં આવી છે.