ખેડૂતોની આત્મહત્યા, સોયાબીનની ચુકવણીમાં વિલંબના મુદ્દે મહારાષ્ટ્ર વિપક્ષનું વિધાનસભામાંથી વોકઆઉટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે બુધવારે ખેડૂતોની આત્મહત્યા અને સરકારી એજન્સીઓ દ્વારા ખરીદાયેલા સોયાબીન ખેડૂતોને ચૂકવણી ન થવાના મુદ્દાઓ પર બે વાર વોકઆઉટ કર્યું.
કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો દાવો કર્યો હતો કે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રાજ્યમાં 700થી વધુ ખેડૂતોએ પોતાના જીવનનો અંત આણ્યો છે અને તેેને કારણે તેમણે આ મુદ્દા પર ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સ્થગન પ્રસ્તાવની નોટિસ પર બોલતા તેમણે ગોવાને નાગપુર સાથે જોડતા શક્તિપીઠ એક્સપ્રેસવે માટે 20,000 કરોડ રૂપિયાની મંજૂરીનો ઉલ્લેખ કરીને ભાજપ સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
‘દરરોજ, ખેડૂતો આત્મહત્યા કરીને મરી રહ્યા છે, અને છતાં સરકાર ઉદાસીન છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં, 767 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આમાંથી 200 કેસોને (મૃતકોના પરિવારને) સહાય માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 194 કેસોની તપાસ હજુ પણ પેન્ડિંગ છે,’ એમ વડેટ્ટીવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો: શોકિંગઃ મહારાષ્ટ્રના મરાઠવાડમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખેડૂતોની આત્મહત્યામાં વધારો
તેમણે સરકાર પર ચૂંટણી પહેલાં લોન માફી અને ઇનપુટ ખર્ચના 1.5 ગણા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આપવાના ખોટા વચનો આપવાનો પણ આરોપ મૂક્યો. ‘સોયાબીન અને કપાસના ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળ્યો નથી,’ એમ તેમણે કહ્યું હતું.
વડેટ્ટીવારે કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે દ્વારા ખેડૂતોને ‘ભિખારી’ કહેવા બદલ અને ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ લોણીકર દ્વારા ખેડૂતો વિરુદ્ધ ‘અસંવેદનશીલ અને અપમાનજનક નિવેદનો’ આપવા બદલ બંનેની નિંદા પણ કરી હતી.
કોંગ્રેસના નેતાએ લાતુરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યાં અંબાદાસ પવાર (65) નામના ખેડૂતે બળદ ભાડે ન રાખવાને કારણે પોતાને હળ પર લટકાવી દીધા હોવાના અહેવાલ છે.
‘સમિતિઓ બનાવવાને બદલે, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. ખેડૂતોને સમિતિઓ નથી જોઈતી, તેઓ રાહત ઇચ્છે છે,’ એમ વડેટ્ટીવારે કહ્યું હતું. જોકે, સ્પીકર રાહુલ નાર્વેકરે સ્થગન પ્રસ્તાવને ફગાવી દીધો હતો, જેને પગલે વિપક્ષના સભ્યોએ સરકાર પર અસંવેદનશીલતા અને ચર્ચા ટાળવાનો આરોપ કરતાં વોકઆઉટ કર્યું હતું.
આ પણ વાંચો: ખેડૂતોની આત્મહત્યા મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરફ નથી ઉચ્ચારતી: દાનવે
અગાઉ, વિપક્ષે સોયાબીન ખરીદીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યા બાદ ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો. વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે સોયાબીન ઉત્પાદકોને તેમના ઉત્પાદનની ખરીદી માટે ચૂકવણી કરવામાં આવી નથી.
સહકાર અને માર્કેટિંગ ખાતાના પ્રધાન જયકુમાર રાવલે જણાવ્યું હતું કે આ વર્ષે 51,000થી વધુ ખેડૂતો પાસેથી રેકોર્ડ રકમની સોયાબીન ખરીદી કરવામાં આવી હતી અને 5,500 કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પ્રધાને જણાવ્યું હતું કે, અકોલા જિલ્લાના બાલાપુર તાલુકામાં ખેડૂત સમૂહ, અંદુરા શેતકરી કંપનીએ, તેની ખરીદી નોંધવા છતાં સરકારી વેરહાઉસમાં 1,297 ક્વિન્ટલ સોયાબીન પહોંચાડવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિવાદ ઉભો થયો હતો, તેમણે ઉમેર્યું હતું કે કંપની સામે નોંધાયેલા કેસની તપાસ બાકી હોવાથી 36 લાખ રૂપિયાની ચુકવણી અટકાવી દેવામાં આવી હતી.
રાવલે ખાતરી આપી હતી કે કોઈપણ વિસંગતતાથી પ્રભાવિત ખેડૂતોને ચુકવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
મૂળ પ્રશ્ર્ન વિધાનસભ્ય દૌલત દરોડા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હેમંત ઓગલે, રણધીર સાવરકર, નાના પટોલે, રોહિત પવાર, કૈલાસ પાટીલ અને જયંત પાટીલ દ્વારા પૂરક સવાલો પૂછવામાં આવ્યા હતા.
મંત્રીના પ્રતિભાવથી અસંતુષ્ટ, વિપક્ષના સભ્યો વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા.
આ દરમિયાન, ખેડૂત આત્મહત્યાના મુદ્દા પર વિપક્ષ દ્વારા બીજી વખત વોકઆઉટ કરવામાં આવ્યા પછી, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ખેડૂતોની સમસ્યાઓનું રાજકારણ ન થવું જોઈએ.
તેમણે કહ્યું કે ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તમામ પ્રતિકૂળતાઓમાં તેમને ટેકો આપવાની સરકાર પોતાની પ્રાથમિક જવાબદારી માને છે. ખેડૂતો આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આપણા સમાજના સાચા પ્રદાતા છે. આ સરકાર ખેડૂતોની છે. અમે કોઈપણ સમયે તેમના સંબંધિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ, પવારે કહ્યું.
તમારી (વિપક્ષ) પાસે આવતીકાલની સુનિશ્ર્ચિત ચર્ચા દરમિયાન ખેડૂત સંબંધિત તમામ મુદ્દાઓ ઉઠાવવાની તક છે. ગૃહમાં વિક્ષેપ પેદા કરવાથી ખેડૂતોના હિતનો હેતુ પૂર્ણ થતો નથી,’ એમ તેમણે કહ્યું હતું.