સરકારનો રોકવાનો પ્રયાસ નિષ્ફળ: આંદોલન પર જરાંગે મક્કમ: આજે મુંબઈ આવવા રવાના થશે...
મહારાષ્ટ્ર

સરકારનો રોકવાનો પ્રયાસ નિષ્ફળ: આંદોલન પર જરાંગે મક્કમ: આજે મુંબઈ આવવા રવાના થશે…

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર સરકારના રોકવાના પ્રયાસો છતાં મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ 29 ઓગસ્ટથી મુંબઈમાં મરાઠા અનામત માટે નવેસરથી ભૂખ હડતાળ શરૂ કરશે.

ગણેશ ઉત્સવની પૂર્વસંધ્યાએ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયના વિશેષ ફરજ અધિકારી રાજેન્દ્ર સાબલે પાટીલ, જાલના જિલ્લાના તેમના ગામ અંતરવાલી સરાટી ખાતે જરાંગેને મળ્યા હતા જેથી તેમનું સમાધાન કરી શકાય, પરંતુ બાદમાં તેમણે હાર માનવાનો ઇનકાર કર્યો હતો.

Rajendra Sable Patil

બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે કાર્યકર્તા પૂર્વ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરી શકતા નથી, તેનો જવાબ આપતાં જરાંગેએ કહ્યું હતું કે તેમના વકીલો જરૂરી રાહત મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ અને તેમના અનુયાયીઓ 27 ઓગસ્ટે મુંબઈ જવા રવાના થઈ જશે.

તેમણે મુખ્ય પ્રધાન ફડણવીસની પણ ટીકા કરી હતી, અને તેમના પર શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાય માટે અનામતમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો.

‘અમારી વકીલોની ટીમ કોર્ટમાં જશે…. મને વિશ્વાસ છે કે કોર્ટ અમારી વાત સાંભળશે અને અમને મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન કરવાની મંજૂરી આપશે. અમે કોર્ટની બધી માર્ગદર્શિકાનું પાલન કરીશું,’ એમ પણ જરાંગેએ કહ્યું હતું. આ પહેલા, મુખ્ય પ્રધાનના ઓએસડી (વિશેષ કાર્ય અધિકારી) રાજેન્દ્ર સાબલે પાટીલ જરાંગેને તેમના ગામમાં મળ્યા હતા.

‘મેં તેમને વિનંતી કરી હતી કે ગણેશોત્સવ હોવાથી તેઓ આંદોલન મુલતવી રાખી શકે છે કે કેમ તે અંગે વિચાર કરે,’ એમ પાટીલે જરાંગે સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું. જરાંગે એવી માગણી કરી રહ્યા છે કે બધા મરાઠાઓને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કૃષિ જાતિ કુણબી તરીકે માન્યતા આપવામાં આવે, જેનાથી તેઓ અનામત માટે પાત્ર બનશે.
તેમણે મીડિયાકર્મીઓની હાજરીમાં પાટીલ સાથે ચર્ચા કરી હતી.

અમે બે વર્ષ રાહ જોઈ. ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે મારી અગાઉની ભૂખ હડતાળ દરમિયાન મારી મુલાકાત લીધી હતી અને નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય માગ્યો હતો. જો સરકાર મરાઠાઓને (ઓબીસી) અનામત આપે છે, તો અમે દેવેન્દ્ર ફડણવીસના મિત્ર બની જઈશું,’ એમ જરાંગેએ કહ્યું હતું.

‘જો અમને અનામત મળશે તો અમે મુંબઈ જઈશું નહીં, નહીં તો અમે જઈશું. અમે મુંબઈ જઈશું અને પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે,’ એમ પણ તેમણે ઉમેર્યું હતું.તેમણે કહ્યું હતું કે, રાજ્યની રાજધાનીમાં પ્રદર્શનકારીઓ ગણેશ ઉત્સવની ઉજવણીમાં કોઈ જાતની ખલેલ પહોંચાડશે નહીં, તેમણે સરકારને અપીલ કરી કે તેઓ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન સુધી પહોંચવા માટે એક સમર્પિત રસ્તો આપે.

જરાંગેએ મુખ્ય પ્રધાનના ઓએસડીને કહ્યું હતું કે તેઓ સાંજ સુધીમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને જણાવે કે મરાઠાઓ ઓબીસી શ્રેણી હેઠળ 10 ટકા ક્વોટાથી ઓછા માટે સમાધાન કરશે નહીં. બાદમાં, પત્રકારો સાથે વાત કરતા, તેમણે મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું અને તેમના પર મરાઠાઓને અનામત આપવામાં અવરોધો ઉભા કરવાનો આરોપ લગાવ્યો.

બ્રિટિશ કાળમાં પણ આવી ઉદ્ધતાઈ જોવા મળી ન હતી, એમ જરાંગેએ કહ્યું હતું. ‘બ્રિટિશ કાળમાં પણ આંદોલનો થયા હતા… સરકારે મરાઠા સમુદાયની ધીરજનો અંત ન કરવો જોઈએ. સરકાર ગમે તેટલા અવરોધો ઉભા કરે, અમે બુધવારે મુંબઈ જઈશું,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ રહેશે.

‘અમને કોર્ટમાં વિશ્ર્વાસ છે. અમે શાંતિથી ત્યાં જઈ રહ્યા છીએ અને કાયદેસર રીતે આંદોલન કરી રહ્યા છીએ. તેથી, કોર્ટ અમને ન્યાય આપશે. અમે કોર્ટના એક પણ નિયમ કે માર્ગદર્શિકાનો અનાદર કરીશું નહીં, પરંતુ કોર્ટ અમને આંદોલન ન કરવાનું જણાવી શકે નહીં,’ એમ તેમણે કહ્યું હતું.

હાઈકોર્ટે જરાંગેને નોટિસ ફટકારી, તેમનો જવાબ માગ્યો છે, અને આ મામલાની વધુ સુનાવણી 9 સપ્ટેમ્બરના રોજ મુલતવી રાખી. બીજી તરફ સોમવારે બોલતા મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે તેમને આશા છે કે જે લોકો પોતાને (મરાઠા રાજા) છત્રપતિ શિવાજી મહારાજના સાચા અનુયાયીઓ કહે છે તેઓ ગણેશ ચતુર્થીને ખલેલ પહોંચાડવા માટે કંઈ કરશે નહીં, ‘જે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે.’

આ પણ વાંચો…મારી ધરપકડ થશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે: મનોજ જરાંગે

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button