લોનાવલાના ભૂશી ડેમ ખાતે દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, સુરક્ષા માર્ગદર્શિકા બહાર પાડી
મુંબઈ: પુણેના લોનાવાલા ખાતેના પ્રવાસન સ્થળ ભૂશી ડેમ ખાતેના ધોધમાં પાંચ પ્રવાસીઓના ડૂબવાને પગલે મહારાષ્ટ્ર સરકારે સોમવારે પ્રવાસીઓ માટે સલામતી માર્ગદર્શિકા જારી કરી છે. લોનાવલાનો ભૂશી ડેમ વિસ્તાર ચોમાસા દરમિયાન હંમેશા પ્રવાસીઓથી ભરેલો રહે છે. અઠવાડિયાના અન્ય દિવસો કરતાં શનિવાર અને રવિવારે વધુ ભીડ હોય છે. રવિવારની કરૂણાંતિકામાં એક જ પરિવારના પાંચ જણ ભૂશી ડેમ ખાતે તણાઇ જવાની ઘટના બાદ લોનાવલામાં પ્રવાસીઓ માટે હોટ સ્પોટ ગણાતા ભૂશી ડેમના વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોનાવલા મ્યુનિસિપલ કાઉન્સિલ અને પુણે રેલવે બોર્ડ વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત અતિક્રમણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ભુશી ડેમ વિસ્તારમાં ચા, નાસ્તો, ફેરિયાઓ, મકાઈ વેચનારાઓએ દુકાનો હટાવવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂશી ડેમ વિસ્તારમાં સલામતી માર્ગદર્શિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સ્થાનિક અધિકારીઓને તેનો કડક અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. આમાં એક મુખ્ય નિયમ એ છે કે સાંજે 6:00 વાગ્યા પછી પ્રવાસીઓને સ્થળ પર આવવા પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત પુણે જિલ્લા કલેક્ટરે ચેતવણીના બૉર્ડ મૂકવાની યોજનાની જાહેરાત કરી અને આ પગલાંના અમલ માટે સ્થાનિક સત્તાવાળાઓની જવાબદારી પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે. “અમે માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ સ્થાનિક સત્તાવાળાઓ જો આદેશનો અમલ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે પગલાં લઈશું. અમે કોઈપણ સુસ્તી સહન કરીશું નહીં. ”
તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓ પ્રવાસી સ્થળો પર હંગામો મચાવનારા યુવાનો સામે પગલાં લેશે. “અમે અન્ય પ્રવાસીઓને ખલેલ પહોંચાડે તેવું વર્તન સહન નહીં કરીએ. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘણા યુવાનો જાહેર રજાઓ અને વીકએન્ડમાં આવે છે. રાત્રીના સમયે ગડબડ અને તોફાનોની અનેક ફરિયાદો ઉઠી છે. આ પૃષ્ઠભૂમિમાં, પર્યટકોને સાંજે છ વાગ્યા પછી પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો સંબંધિત અધિકારી પગલાં લેવામાં વિલંબ કરશે, તો અમે અધિકારી સામે સીધા પગલાં લઈશું, ” એમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. સ્થાનિક સત્તાવાળાઓએ મુલાકાતીઓ, ખાસ કરીને યુવાનોને લોનાવાલા, મુલશી, માવલ અને પવના જેવા વિસ્તારોમાં જળાશયોમાં પ્રવેશવાનું ટાળવા વિનંતી કરી હતી.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાના પટોલેએ માંગ કરી હતી કે સરકાર અમલમાં આવી રહેલા સલામતીનાં પગલાં સ્પષ્ટ કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પ્રવાસીઓ ચોમાસા દરમિયાન રાજ્યભરના ડેમોની વારંવાર મુલાકાત લેતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ નિયમિત બનતી હોવા છતાં તેમની સુરક્ષાની વારંવાર ઉપેક્ષા કરવામાં આવે છે.