Maharashtraમાં દેવેન્દ્ર ફડણવીસના વોટ જેહાદના નિવેદન પર ઓવૈસીનો પ્રહાર, કહ્યું તમારા પૂર્વજો…
છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. જેમાં હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની “વોટ જેહાદ” વિશેની ટિપ્પણી પર પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ફડણવીસના પૂર્વજોએ અંગ્રેજો સામે લડવાને બદલે તેમને પ્રેમ પત્રો લખ્યા હતા. ઓવૈસીએ આવી ટિપ્પણીઓને લઈને ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
સંભાજીનગરના જિનસીમાં ઓવૈસી ગર્જ્યા
ઓવૈસી રવિવારે છત્રપતિ સંભાજીનગરના જિનસી વિસ્તારમાં AIMIM ઉમેદવારો ઇમ્તિયાઝ જલીલ (ઔરંગાબાદ પૂર્વ) અને નાસિર સિદ્દીકી (ઔરંગાબાદ સેન્ટ્રલ)ના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીનો ” એક હે તો સેફ હે ” નો નારો વિવિધતાની ભાવનાની વિરુદ્ધ છે.
શું કહ્યું ફડણવીસે?
ઉલ્લેખનીય છે કે ફડણવીસે શનિવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ‘વોટ જેહાદ’ શરૂ થયું છે અને તેનો મુકાબલો મતોના ‘ધર્મયુદ્ધ’થી થવો જોઈએ. તેમણે ધુલે લોકસભા ક્ષેત્રમાં ભાજપની સામાન્ય હારનો ઉલ્લેખ કર્યો હતો.
મને ચર્ચામાં કોઇ હરાવી શકે નહીં
હવે નાયબ મુખ્યમંત્રી પર વળતો પ્રહાર કરતાં ઓવૈસીએ કહ્યું, ‘અમારા પૂર્વજોએ અંગ્રેજો સામે જેહાદ લડી હતી અને ફડણવીસ હવે અમને જેહાદ વિશે શીખવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને મને ચર્ચામાં હરાવી શકે નહીં.
આ પણ વાંચો…..Maharashtra Election 2024 : કોંગ્રેસે 16 બળવાખોર નેતાઓને આ કારણે કર્યા પક્ષમાંથી સસ્પેન્ડ
ચૂંટણી પંચ પર ઉઠ્યા પ્રશ્નો
ઓવૈસીએ દાવો કર્યો હતો કે વોટ-જેહાદ ટિપ્પણી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું, ‘લોકતંત્રમાં વોટ-જેહાદ અને ધાર્મિક યુદ્ધ ક્યાંથી આવ્યા? તમે ધારાસભ્યોને ખરીદ્યા, શું અમે તમને ચોર કહીએ? જ્યારે ફડણવીસ વોટ જેહાદની વાત કરે છે ત્યારે તેમના પૂર્વજો અંગ્રેજોને પ્રેમપત્રો લખતા હતા. જ્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ વિદેશી શાસકો સાથે સમાધાન નહોતું કર્યું.