મહારાષ્ટ્રમાં જેલમાં અકુદરતી કારણોસર મૃત્યુ પામેલા કેદીઓના પરિવારને રૂ. 5 લાખનું વળતર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય કેબિનેટે મંગળવારે મંજૂર કરેલી નીતિ અનુસાર, મહારાષ્ટ્ર સરકાર જેલમાં અકુદરતી કારણોસર મૃત્યુ પામેલા કેદીના નજીકના સંબંધીને પાંચ લાખ રૂપિયાનું વળતર આપશે.
જો કોઈ કેદી કસ્ટડીમાં આત્મહત્યા કરે છે, તો નીતિ મુજબ તેના પરિવારને એક લાખ રૂપિયાની નાણાકીય સહાય મળશે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા જારી કરાયેલા નિર્દેશના આધારે વળતર નીતિ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કોઈ કેદીનું મૃત્યુ અકસ્માત, તબીબી બેદરકારી, જેલ અધિકારીઓ દ્વારા હુમલો અથવા કેદીઓ વચ્ચેના ઝઘડાને કારણે થયું હોય તો પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ પણ વાંચો: બળાત્કાર બાદ બાળકીની હત્યાના કેસના આરોપીનો જેલમાં આપઘાત
‘જો આવા કિસ્સાઓમાં જેલ પ્રશાસનની બેદરકારી સાબિત થાય છે, તો મૃતક કેદીના પરિવારને વળતર તરીકે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. જો કોઈ કેદી આત્મહત્યા કરે છે, તો તેના પરિવારને એક લાખ રૂપિયા મળશે,’ એમ મુખ્ય પ્રધાનની કચેરી તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.
જોકે, જો કોઈ કેદી વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓ, લાંબી બીમારી, કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત, જામીન પર બહાર હોય ત્યારે અથવા કોઈ રોગ માટે તબીબી સારવાર લેવાનો ઇનકાર કરવાથી મૃત્યુ પામે છે, તો અસરગ્રસ્ત પરિવારને કોઈ વળતર આપવામાં આવશે નહીં, એમ પણ તેમાં જણાવાયું છે.
‘આ નીતિ રાજ્યની તમામ જેલોને લાગુ પડશે. વળતર આપવા માટે, જેલ અધિક્ષકે પ્રાથમિક તપાસ, પોસ્ટમોર્ટમ, પંચનામા (મૃત્યુની આસપાસના સંજોગો સંબંધિત વિગતો), ન્યાયિક અને મેજિસ્ટ્રેટ તપાસ અને અન્ય દસ્તાવેજો સંબંધિત અહેવાલો પ્રાદેશિક વડાને સુપરત કરવાના રહેશે.