
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય વિક્રમ પાચપુતેએ શુક્રવારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની કામગીરીની ટીકા કરી હતી અને રાજ્યવ્યાપી પ્રતિબંધ હોવા છતાં પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા સરળતાથી મળી રહે છે તે તરફ ધ્યાન દોર્યું હતું.
અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંદા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પાચપુતેએ કહ્યું હતું કે લોકો રાજ્ય વિધાનસભાના પરિસરમાં પણ ગુટખા ખાઈ રહ્યા છે અને થૂંકી રહ્યા છે.
જો વિધાનસભા પરિસરની અંદર પ્રતિબંધ લાગુ ન કરી શકાય, તો બાકીના મહારાષ્ટ્રને શું સંદેશ મળશે, એવું આશ્ર્ચર્ય તેમણે વ્યક્ત કર્યું હતું.
વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યા બાદ વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘જો ગુટખા પર પ્રતિબંધ છે, તો તે ક્યાંથી આવી રહ્યો છે? હું મીડિયાને સ્ટિંગ ઓપરેશન કરવાની વિનંતી કરીશ. વિધાન ભવનની સીડીઓ અને ખૂણાઓ જુઓ, તમને ગુટખા અને પાન મસાલાના ડાઘ દેખાશે.’
આ પણ વાંચો: કેન્સર અંગે અમિતાભ બચ્ચને શેર કર્યો અનોખો વીડિયો: જોઈ લો શું મેસેજ છે?
પાચપુતેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુટખા, પાન મસાલા અને સુગંધી સુપારીના ઉત્પાદન, વિતરણ, વેચાણ અને પ્રમોશન પર પ્રતિબંધ હોવા છતાં, કાયદાનું ઉલ્લંઘન છડેચોક થઈ રહ્યું છે.
‘સરકારી કચેરીઓ અને વિધાન ભવનના ખૂણાઓમાં પણ લોકો ગુટખા થૂંકવાનું ચાલુ રાખે છે. કેટલાક પગલાં લેવા જોઈએ. બધા સહમત છે કે તે હાનિકારક છે, પરંતુ કાયદાનો કડક અમલ થતો નથી,’ એમ તેમણે કહ્યું હતું.
એફડીએની ટીકા કરવા ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે તેમાં પૂરતા માનવબળનો અભાવ છે.
‘જ્યારે મેં પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે એફડીએ પાસે લગભગ 100 કર્મચારીઓ હતા. હવે તેઓએ 190 વધુની ભરતી કરી છે, પરંતુ તે હજુ પણ અપૂરતું છે,’ એમ પાચપુતેએ કહ્યું હતું.
વિધાનસભ્યે કહ્યું હતું કે એફડીએએ જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગને તેની કર્મચારીઓની સંખ્યા વધારીને 1,200 અધિકારીઓની કરવાની વિનંતી કરી છે. ‘પૂરતા કર્મચારીઓ વિના, કોઈ નિવારણ શક્ય નથી. જેમ લોકો પોલીસ કે સીસીટીવીના અભાવમાં ટ્રાફિક સિગ્નલ તોડીને ફરે છે, તેમ ઉલ્લંઘન કરનારાઓ પ્રતિબંધિત ઉત્પાદનો મુક્તપણે વેચી રહ્યા છે કારણ કે અમલ કરનારી સંસ્થાનો કોઈ ડર નથી,’ એમ તેમણે કહ્યું.
પાચપુતેએ જણાવ્યું હતું કે તેમણે માર્ચમાં વિધાનસભા સત્ર દરમિયાન ભેળસેળયુક્ત પનીર અને સિન્થેટિક ચીઝ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે તેનાથી કેટલાક તાત્કાલિક વહીવટી પ્રતિભાવ મળ્યા હતા, ત્યારે પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોના વેચાણને રોકવામાં આવી જ તાકીદનો અભાવ હતો, એમ તેમણે જણાવ્યું હતું.
વિધાનસભ્યે હાનિકારક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા બદલ બોલીવુડની સેલિબ્રિટીઓની પણ ટીકા કરી હતી. ‘મેં ખાસ કરીને પ્રધાનને પૂછ્યું હતું કે શું આવા ઉત્પાદનોને પ્રોત્સાહન આપનારા કલાકારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે, જે યુવાનોને ગેરમાર્ગે દોરે છે. તેમણે ગૃહને કાર્યવાહીની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કંઈ નક્કર થયું નથી,’ એમ પાચપુતેએ કહ્યું હતું.