લાડકી બહેનની રકમ 2,100 રૂપિયા કરવાના ચૂંટણી વચનને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ: શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું કે સરકાર ‘લાડકી બહેન’ યોજના હેઠળ માસિક આર્થિક સહાયની રકમ વધારીને 2,100 રૂપિયા કરવાના તેના ચૂંટણી વચનને અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે.
‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની આર્થિક સહાય મળે છે. ગયા વર્ષે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવામાં મદદ કરનાર સૌથી મોટા પરિબળ તરીકે તેને ગણાવવામાં આવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે લાભાર્થીઓના ખાતામાં બે હપ્તા જમા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: લાડકી બહેન જેવી યોજના પર લટકતી તલવાર
મહાયુતિની યોજના હેઠળ રકમ વધારીને 2,100 રૂપિયા કરવાના ચૂંટણી વચન પર બોલતાં શિંદેએ કહ્યું હતું કે, ‘અમે જાહેરાત કરી હતી (કે લાડકી બહેનના પૈસા વધારીને 2,100 રૂપિયા કરવામાં આવશે) અને અમે તેના અમલ માટે યોજના તૈયાર કરી રહ્યા છીએ.’
રાજ્યમાં રાજકોષી ખાધ બે લાખ કરોડ રૂપિયાને સ્પર્શી ગઈ છે, ત્યાં આ યોજનાની નાણાકીય સદ્ધરતા પર સવાલ ઉઠાવતા વિપક્ષે સરકાર પર ટીકા કરી છે.
ચૂંટણીનો ઢંઢેરો પાંચ વર્ષ માટે છે. સરકારે જે વચન આપ્યું છે તેમાં અમે કોઈ ફેરફાર કરીશું નહીં. બધી યોજનાઓ ચાલુ રહેવી જોઈએ. વિકાસ અને માળખાકીય સુવિધા, પ્રતિબદ્ધ ખર્ચ પણ ચાલુ રહેવો જોઈએ અને સરકાર તેના માટે કામ કરી રહી છે, એમ શિંદેએ કહ્યું હતું.
આ પણ વાંચો: લાડકી બહેનોને વધુ એક ગિફ્ટ, હોળીમાં મળશે સાડી
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે મહિલાઓ માટે લાડકી બહેન જેવી ઘણી યોજનાઓ પણ શરૂ કરી છે – એસટીની બસોના ભાડામાં 50 ટકાનો ઘટાડો અને ઉચ્ચ શિક્ષણમાં તેમના માટે ફી માફ કરવી.
તેમણે કહ્યું હતું કે ‘લાડકી બહેન’ સલામત હોવી જોઈએ અને સરકારે તેઓ મુસીબતમાં હોય તો તેમને મદદ કરવા માટે ‘સુરક્ષા’ એપ લાવવાનો નિર્ણય લીધો છે. લાડકી બહેનોએ મહાયુતિને તેમના આશીર્વાદ આપ્યા જેના કારણે 2024ની વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળી હતી.