મહારાષ્ટ્ર સરકાર તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ: એકનાથ શિંદે

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે, સરકાર ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે, તેમના કેબિનેટના સાથી અજિત પવારના ‘ખેડૂતોએ પાક લોન માફી માટે રાહ જોવાની જરૂર નથી’ના નિવેદનથી ખળભળાટ મચી ગયો તેના એક દિવસ પછી એકનાથ શિંદેએ પુણેમાં આ નિવેદન કર્યું હતું.
તેમણે રાજ્યના નાણાકીય વર્ષમાં સંતુલન જાળવવાનું પણ આહ્વાન કર્યું હતું અને ઉમેર્યું હતું કે કલ્યાણકારી યોજનાઓ, વિકાસ અને કર્મચારીઓના પગાર માટે ભંડોળ ઉપલબ્ધ હોવું જોઈએ.
શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત થયા પછી લાડકી બહેન યોજના હેઠળ મહિલાઓ માટેની માસિક સહાય 1,500થી વધારીને 2,100 રૂપિયા કરવામાં આવશે.
આ પણ વાંચો: ફનેલમાં રિડેવલપમેન્ટને ગતિ આપવા ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારા: એકનાથ શિંદે…
શિંદેનું આ વચન નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે ખેડૂતોને લોન માફીની જાહેરાતની રાહ જોવાને બદલે સમયસર પાક લોનના હપ્તા ચૂકવવાની સલાહ આપ્યાના એક દિવસ પછી આવ્યું છે, જેમાં રાજ્યની વર્તમાન નાણાકીય મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
‘અમે મેનિફેસ્ટોમાં જે પણ વચનોનો ઉલ્લેખ કર્યો છે, અમે તે પૂર્ણ કરીશું. દરેક વચનનું પાલન કરવામાં આવશે. અમે તેને છાપકામની ભૂલ નહીં કહીએ,’ એમ શિવસેનાના વડા શિંદેએ પત્રકારોને પવારની ટિપ્પણી પર પૂછવામાં આવતા કહ્યું હતું.
શિંદેએ પુણે જિલ્લાના વઢુ ગામમાં આવેલી છત્રપતિ સંભાજી મહારાજની સમાધિની તેમની પુણ્યતિથિ પર મુલાકાત લીધી હતી.
તેમણે છેલ્લા અઢી વર્ષમાં ખેડૂતો માટે સરકારની મદદ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે, ‘અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાન માટે 16,000 કરોડ રૂપિયાની મદદ આપી છે.’
આ પણ વાંચો: રોડના કૉંક્રીટીકરણનું કામ 31 મે પહેલાં પૂર્ણ કરો: એકનાથ શિંદે…
શિંદેએ કૃષિ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે સંલગ્ન કૃષિ વ્યવસાયો માટે 45,000 કરોડ રૂપિયાની ફાળવણી અને શેતકરી સન્માન યોજના અને પાક વીમા યોજના જેવી યોજના પર ધ્યાન દોર્યું હતું.
ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખિત લાડકી બહેન યોજના હેઠળ માસિક સહાય 1,500 થી વધારીને 2,100 રૂપિયા કરવાના વચન અંગે પૂછવામાં આવતાં, શિંદેએ કહ્યું હતું કે, ‘એકવાર રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે, ત્યારે અમારી બહેનોને 2,100 રૂપિયા આપવામાં આવશે. અમે જે પણ વચન આપ્યું છે, તે અમે પૂર્ણ કરીશું.’
નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘કલ્યાણકારી યોજનાઓ, વિકાસ અને કર્મચારીઓના પગાર’ સહિત તમામ બાબતો માટે ભંડોળ ઉપલબ્ધ હોવું જોઈએ.
શિંદેના મતે, વધેલા રોકાણથી આખરે રાજ્યની આર્થિક મજબૂતીમાં સુધારો થશે.