ખર્ચમાં વધારાને કારણે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રદ: ફડણવીસ

સરકાર શિંદેને ટાર્ગેટ બનાવી રહી છે: કોંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ખર્ચમાં તીવ્ર વધારાને કારણે લગભગ 40,000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યા છે, જેને પગલે કોંગ્રેસે એવી ટીકા કરી છે કે મુખ્ય પ્રધાન ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના નગર વિકાસ વિભાગને નિશાન બનાવી રહ્યા છે.
કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે આ કોઈ નાના આંતરિક મતભેદ નથી, પરંતુ મહાયુતિ સરકારમાં મોટો મતભેદ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
એક મરાઠી અખબારને ફડણવીસે જણાવ્યું હતું કે ખર્ચમાં ભારે વધારા અને પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે અગાઉ મંજૂર કરાયેલા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ નાણાકીય રીતે અવ્યવહારુ બની ગયા હતા.
‘ખર્ચમાં વધારાને કારણે, લગભગ 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ રદ કરવા પડ્યા હતા. આ નિર્ણયો યોગ્ય વિચારણા પછી લેવામાં આવ્યા હતા અને સંપૂર્ણપણે સાચા હતા,’ એમ પણ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કહ્યું હતું કે સરકારે પાછલા કાર્યકાળ દરમિયાન નગર વિકાસ વિભાગ હેઠળ મંજૂર કરાયેલા ઘણા પ્રસ્તાવોની સમીક્ષા કરી હતી અને જાણવા મળ્યું કે સુધારેલા ધોરણો અને નાણાકીય અસરોને ધ્યાનમાં રાખીને ઘણા પર ફેરવિચારની જરૂર હતી.
યુનિફાઇડ ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ (યુડીસીપીઆર)નો ઉલ્લેખ કરતા તેમણે કહ્ય હતુંં કે વિસંગતીઓ દૂર કરવા અને સુનિયોજિત નગર વિકાસ સુનિશ્ર્ચિત કરવા માટે સુધારા જરૂરી છે.
ફડણવીસે કહ્યું હતું કે જાહેર ભંડોળનો વિવેકપૂર્ણ ઉપયોગ અને લાંબા ગાળાના આયોજન સાથે પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ સુનિશ્ર્ચિત કરવાની જવાબદારી તેમની છે, તેમણે ઉમેર્યું કે જ્યાં નાણાકીય તાણ અથવા કાનૂની ગૂંચવણોનું જોખમ હોય ત્યાં નિર્ણયોની સમીક્ષા કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારે નગર વિકાસ અને પર્યાવરણ સંબંધિત બાબતોમાં કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું છે, પ્રોજેક્ટ્સ મનસ્વી રીતે અટકી ગયા હોવાના આરોપોને નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેના કટ્ટર હરીફ, ભાજપના પ્રધાન ગણેશ નાઈકે તાજેતરમાં યુડીસીપીઆરની ટીકા કરતા કહ્યું હતું કે તેમાં કેટલીક વાહિયાત જોગવાઈઓ છે જે શહેરોના આયોજિત વિકાસને અસર કરે છે.
કોંગ્રેસે મુંબઈ અને 28 અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાનની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન દ્વારા જાહેર કરાયેલા સમય પર પણ સવાલ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારમાં સાથી પક્ષ હોવા છતાં, ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના કેટલીક પાલિકાઓમાં એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસના નેતા અને એઆઈસીસીના રાષ્ટ્રીય સચિવ સચિન સાવંતે બુધવારે એક્સ પર એક પોસ્ટમાં મુખ્ય પ્રધાનની ટિપ્પણીની ટીકા કરી હતી, જેમાં પ્રોજેક્ટ્સને રોકવા પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા.
‘પ્રચારનો દિવસ પૂરો થાય છે તે દિવસે, મુખ્ય પ્રધાન નાયબ મુખ્ય પ્રધાનો પર ગેરવહીવટના આરોપો લગાવી રહ્યા છે. આ કોઈ નાના આંતરિક મતભેદ જેવું નથી પણ એક મોટો મતભેદ લાગે છે.
‘મુખ્ય પ્રધાન તપાસ વિના કેવી રીતે નક્કી કરી શકે કે તે બદનામી છે કે વાસ્તવિક? 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ વધવો એ નાની વાત નથી,’ એમ સાવંતે પોતાની પોસ્ટમાં કહ્યું હતું.
સાવંતે એવો પણ સવાલ કર્યો હતો કે શા માટે ફક્ત નગર વિકાસ વિભાગને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને સરકારને અટકેલા પ્રોજેક્ટ્સની વિગતો જાહેર કરવા કહ્યું.



