Top Newsમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ‘ખોટા’ જન્મ-મરણ પ્રમાણપત્રો તાત્કાલિક રદ થશે; 14 જિલ્લાઓ રડાર પર!

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં જારી કરાયેલા ખોટા અને વિલંબિત જન્મ તેમજ મરણ પ્રમાણપત્રોની તાત્કાલિક સમીક્ષા અને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. સરકાર જારી કરાયેલા સરકારી ઠરાવમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જે પ્રમાણપત્રો નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરતા નથી, તેમને તાત્કાલિક રદ કરવામાં આવે.

આ ઠરાવમાં અધિકારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે હવેથી જન્મની વિગતોની નોંધણી કે તેમાં ફેરફાર કરવા માટે આધાર કાર્ડને એકમાત્ર પૂરતો પુરાવો ગણવામાં ન આવે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો દ્વારા વિલંબિત જન્મ પ્રમાણપત્રો મેળવી મહારાષ્ટ્રમાં સ્થાયી થવા અંગે અનેક ફરિયાદો કરી હતી.

સરકાર દ્વારા જણાવાયું છે કે ઘણા વિલંબિત પ્રમાણપત્રો કથિત રીતે હોસ્પિટલના દસ્તાવેજો, શાળા પ્રવેશ ફોર્મ અથવા મૂળ જન્મ નોંધણી જેવા સહાયક રેકોર્ડ્સ વિના જારી કરવામાં આવ્યા હતા. અમરાવતી, જાલના, છત્રપતિ સંભાજીનગર, લાતૂર, અકોલા, પરભણી, બીડ અને નાશિક સહિત ચૌદ જિલ્લાઓમાં અનિયમિત રીતે જારી કરાયેલા વિલંબિત પ્રમાણપત્રોની સંખ્યા વધુ હોવાનું જણાવાયું છે.

સરકારે મહેસૂલ, આરોગ્ય અને મ્યુનિસિપલ સંસ્થાઓને આ ખોટી રીતે જારી કરાયેલા પ્રમાણપત્રો પાછા ખેંચવા અને તેમની પુનઃ ચકાસણી કરવા માટે નિર્દેશ આપ્યો છે. જે પ્રમાણપત્રો કાયદાકીય માપદંડોને પૂર્ણ ન કરતા હોય, તેને તાત્કાલિક રદ કરીને સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ પરથી દૂર કરવાના રહેશે.

GR માં જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ જન્મ-સંબંધિત માહિતી માટે પુરાવા તરીકે સ્વીકારી શકાશે નહીં. 11 ઓગસ્ટ, 2023 ના રોજ ‘જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ’માં થયેલા સુધારા બાદ હવે માત્ર મામલતદાર, પેટા-વિભાગીય અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરને જ વિલંબિત પ્રમાણપત્રો જારી કરવાની સત્તા છે. આ સુધારા બાદ જારી કરાયેલા, પરંતુ યોગ્ય ચકાસણી વિનાના પ્રમાણપત્રોને સક્ષમ અધિકારીઓ દ્વારા પાછા ખેંચીને ફરીથી તપાસવા પડશે. જો આધાર-લિંક્ડ જન્મ તારીખ અને અરજીમાં જાહેર કરાયેલી તારીખ અલગ હોય, તો અધિકારીઓએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવાની રહેશે, અને શંકાસ્પદ બનાવટ અથવા ચેડાંના કિસ્સાઓમાં FIR દાખલ કરવો ફરજિયાત રહેશે.

અનિયમિત વિલંબિત પ્રમાણપત્રોની વધુ સંખ્યા ધરાવતા 14 જિલ્લાઓના સ્થાનિક અધિકારીઓને અરજદારો પાસેથી મૂળ પ્રમાણપત્રો એકત્રિત કરવા અને સમાધાન અભિયાન હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ લાભાર્થી રદ કરાયેલ પ્રમાણપત્ર સુપરત ન કરે, તો અધિકારીઓને પોલીસની મદદ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો અરજદારોને શોધી ન શકાય અથવા તેઓ ફરાર હોવાનું માનવામાં આવે, તો તેમની યાદી તૈયાર કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની રહેશે.

આપણ વાંચો:  મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરુ, ભાજપ-શિંદે જૂથ વચ્ચે રસપ્રદ મુકાબલો:

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button