મહારાષ્ટ્ર

અખબારથી લઈને વેબસાઇટ પર રહેશે નજર: મહારાષ્ટ્ર સરકારે 10 કરોડની બનાવી યોજના

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાની સમાચાર સામગ્રી પર નજર રાખવા અને વિશ્લેષણ માટેની એક યોજના બનાવી છે. આ માટે સરકાર 10 કરોડ રૂપિયાનાં ખર્ચે મીડિયા મોનિટરિંગ સેન્ટરની (Media Monitoring center)સ્થાપના કરશે. આ અંગે સરકારી ઠરાવ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આ સેન્ટર પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ મીડિયામાં પ્રકાશિત થતા તમામ તથ્યપૂર્ણ અને ભ્રામક સમાચાર અહેવાલો એકત્રિત કરશે અને તેનું વિશ્લેષણ કરશે અને એક તથ્યપૂર્ણ અહેવાલ તૈયાર કરશે.

આ પણ વાંચો: રોજગારીઃ વિકલાંગ યુવાનોને નોકરી આપવા માટે મહારાષ્ટ્ર સરકારે કર્યા મહત્ત્વના કરાર

ભ્રામક સમાચાર પર અપાશે સ્પષ્ટતા

સરકારી ઠરાવ અનુસાર જે સમયે કોઇ ભ્રામક સમાચાર મળી આવશે તો તે જ સમયે સ્પષ્ટતા કરવામાં આવશે. નકારાત્મક સમાચાર અંગે શક્ય તેટલી ઝડપથી જ સ્પષ્ટતા કરવામાં આવશે. આ કેન્દ્રની જરૂરિયાત અંગે સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે પ્રકાશનો, ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મની વધી રહેલી સંખ્યાઓને કારણે આ સેન્ટરની જરૂરિયાત જણાઈ આવી હતી. જેનાથી સરકારી નીતિઓ અને યોજનાઓ સંબંધિત સમાચારો પર એક જ સેન્ટરથી નજર રાખી શકાય.

સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત

આ સેન્ટર દરરોજ 13 કલાક એટલે કે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને તેનું સંચાલન માહિતી અને પ્રચાર નિયામક દ્વારા કરવામાં આવશે. સરકારી અહેવાલમાં જણાવાયું છે કે સરકારે સેન્ટર સ્થાપવા માટે વહીવટી અને નાણાકીય મંજૂરી આપી દીધી છે. સરકાર સંબંધિત સમાચાર PDF ફોર્મેટમાં એકત્રિત કરવા માટે એક વ્યાવસાયિક સલાહકારની નિમણૂક કરવામાં આવશે.

કોણ રહેશે સલાહકાર?

ઇલેક્ટ્રોનિક મીડિયા સામગ્રીનું નિરીક્ષણ કરતી વખતે સલાહકાર સમાચાર સામગ્રીનાં સ્વરૂપ અને પ્રકારનાં આધારે કલાકદીઠ ચેતવણીઓ આપશે. સલાહકારની નિમણૂક એક વર્ષના સમયગાળા માટે ઇ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને જો સલાહકારનું કાર્ય સંતોષકારક જણાશે તો માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય તેમના કાર્યકાળને બે વર્ષ માટે લંબાવી શકે છે. જો કે સરકારી ઠરાવ અનુસાર સલાહકારનો કાર્યકાળ ત્રણ વર્ષથી વધુનો રહેશે નહિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button