તો શું શિવ ભોજન યોજના થશે બંધ! જાણો હકીકત….

તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી સમાચાર આવ્યા હતા કે રાજ્યની નાણાકીય સમસ્યાઓ ઘટાડવાના ભાગરૂપે રાજ્ય સરકાર બે મોટી યોજનાઓ બંધ કરી શકે છે.આમાંથી એક યોજના છે શિવશાહી ભોજન યોજના અને બીજી છે આનંદ શિક્ષા યોજના. આ બંને યોજનાઓ મહા વિકાસ આઘાડીના શાસન દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આપણે આ યોજનાની વાસ્તવિકતા શું છે તે જાણીએ.
સત્તામાં આવ્યા બાદ મહા વિકાસ આઘાડી સરકારે રાજ્યના ગરીબ લોકો માટે દસ રૂપિયામાં શિવ ભોજન થાળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે રોટલી શાક, ભાત અને દાળ ધરાવતી સંપૂર્ણ ભોજન થાળી દસ રૂપિયાના સબસીડી વાળા દરે પૂરી પાડવામાં આવે છે. કોરોના મહામારીના કારણે તેમણે આ થાળીની કિંમત ઘટાડીને પાંચ રૂપિયા કરી દીધી હતી જેથી કરીને જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ના રહે.
હવે એવું જાણવા મળ્યું છે કે ઘણા વિસ્તારોમાં આ યોજનાના ઓપરેટરોએ વિવિધ સમસ્યાઓના કારણે તેમના સેન્ટરો બંધ કરી દીધા છે. તેમનું કહેવું છે કે સરકાર યોજના કેન્દ્ર ચલાવનારાઓને સમયસર બિલ ચૂકવી રહી નથી. ઉપરાંત બિલ પર જીએસટી અને ટીડીએસના કારણે પણ તેમને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી, ફાયર એનઓસી અને એપમાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને પોતાનું બિલ પાસ કરવા માટે સરકારી અધિકારીઓ પાસેથી રૂ. 5,000 ની લાંચ પણ માંગવામાં આવી રહી છે.
માહિમ ખાતેના એક સેન્ટરના સંચાલકે એમ પણ જણાવ્યું હતું કે, અમારા ખર્ચા ઘણા હતા અને અમને ચુકવણી બહુ ઓછી થતી હતી અને ઘણી વિલંબથી થતી હતી તેથી અમારી પાસે આ યોજના કેન્દ્ર બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અમને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
સેન્ટરના સંચાલકે એમ પણ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેઓ 300 લોકોને આ કિફાયતી દરે ભોજન પૂરું પાડતા હતા. ત્યાર બાદ ક્રમશ તેમને થાળીની સંખ્યા ઓછી કરવાનું જણાવવામાં આવ્યું અને ધીમે ધીમે થાળીની સંખ્યા 300થી ઘટાડીને 100 કરી નાખવામાં આવી. આટલી ઓછી સંખ્યાને કારણે તેમને બ્રેક ઇવન (ના નફો ના નુક્સાન) થવું પણ મુશ્કેલ બન્યું હતું.
Read This…સીએમ ફડણવીસની રાજ ઠાકરે સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે, પરંતુ આ યોજનાઓ ખરેખર કેવી રીતે લાગુ થાય છે તે અંગે કોઈ પાસે જાણકારી નથી. જો સરકાર કલ્યાણકારી યોજના પર વર્ષમાં 250 રૂપિયા ખર્ચ કરે છે અને આ યોજના ચલાવતા લોકોને તેનું ભંડોળ જ નથી મળતું અને ગરીબોને ભોજન નથી મળતું તો સવાલ એ પણ થાય છે કે આ બધા પૈસા ક્યાં જઈ રહ્યા છે? શું સરકાર આનો કોઈ જવાબ આપશે?