મહારાષ્ટ્ર સરકારને લોકોના ખોરાકની પસંદગીઓનું નિયમન કરવામાં રસ નથી: મુખ્ય પ્રધાન ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારને લોકોના ખોરાકની પસંદગીઓનું નિયમન કરવામાં રસ નથી, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું અને સ્વતંત્રતા દિવસ પર કેટલાક શહેરોમાં કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ કરવાના ઉગ્ર વિવાદને ‘બિનજરૂરી’ ગણાવ્યો હતો.
તેમણે 37 વર્ષ જૂના સરકારી ઠરાવ (જીઆર)ના અસ્તિત્વ વિશે અજ્ઞાનતા દર્શાવી હતી જેમાં સ્વતંત્રતા દિવસ સહિત ચોક્કસ દિવસોમાં કતલખાનાઓ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને નોંધ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનો પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે.
મહારાષ્ટ્રમાં કેટલીક પાલિકાએ 15 ઓગસ્ટના રોજ કતલખાનાઓ અને માંસ વેચતી દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જેનાથી વિવાદ સર્જાયો છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જૂથ ધ્વજ ફરકાવશે, શિવસેનાનું નામ નહીં, એકનાથ શિંદેને આંચકો…
‘રાજ્ય સરકારને કોણ શું ખાય છે તે જાણવામાં રસ નથી. અમારે બીજા ઘણા મુદ્દાઓ ઉકેલવા પડશે,’ એમ ફડણવીસે અહીં પત્રકારોને જણાવ્યું.
‘કેટલાક લોકોએ તો આગળ વધીને શાકાહારી લોકોને નપુંસક પણ કહ્યા. આ બકવાસ તરત જ બંધ થવો જોઈએ,’ એમ પણ તેમણે કહ્યું હતું.
15 ઓગસ્ટે કતલખાના બંધ કરવાના કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોના આદેશ અંગે પૂછવામાં આવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે ક્યારેય આવો નિર્ણય લીધો નથી. ઓગસ્ટ 1988માં એક સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનો આવા નિર્ણયો (કતલખાના બંધ કરવાનો આદેશ) પોતાની મેળે લે છે. મને પણ આટલા લાંબા સમયથી આવા જીઆરની જાણ નહોતી.’
આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…
‘મને પણ મીડિયા દ્વારા આ વિશે (જીઆર) જાણવા મળ્યું. (શિવસેના યુબીટી નેતા) ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે (નવેમ્બર 2019-જૂન 22) આવા જ નિર્ણયો લેવામાં આવ્યા હતા,’ એવો અભિપ્રાય તેમણે આપ્યો હતો.
આવો પ્રતિબંધ લાદવો ખોટું: અજિત પવાર
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે કેટલીક પાલિકાઓ દ્વારા 15 ઓગસ્ટે કતલખાનાઓ અને માંસ વેચતી દુકાનો બંધ રાખવાના આદેશ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવો પ્રતિબંધ લાદવો ખોટું છે.
પવારે એમ પણ કહ્યું હતું કે, અષાઢી એકાદશી, મહાશિવરાત્રી, મહાવીર જયંતિ જેવા પ્રસંગોએ શ્રદ્ધા સંબંધિત સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આવા પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવે છે.
‘આવો પ્રતિબંધ લાદવો ખોટો છે. મોટા શહેરોમાં વિવિધ જાતિ અને ધર્મના લોકો રહે છે. જો તે ભાવનાત્મક મુદ્દો હોય, તો લોકો તેને એક દિવસ માટે (પ્રતિબંધ) સ્વીકારે છે, પરંતુ જો તમે મહારાષ્ટ્ર દિવસ, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર આવા આદેશો લાગુ કરો છો, તો તે મુશ્કેલ છે,’ એમ પણ પવારે પત્રકારોને જણાવ્યું હતું.
કઈ મનપા દ્વારા અપાયો આદેશ?
મુંબઈ નજીક થાણે જિલ્લાના કલ્યાણ-ડોમ્બિવલી, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર મહાનગરપાલિકાએ 15 ઓગસ્ટના રોજ માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. એવા અહેવાલો છે કે નાસિક જિલ્લામાં આવેલી માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આવો આદેશ જારી કર્યો છે.