મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં કુખ્યાત ઇનામી નક્સલી પ્રભાકર સહિત સાત ઠાર…

ગઢચિરોલી: મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. 25 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો કુખ્યાત તેલંગાણા નક્સલી પ્રભાકર ઉર્ફે લોકેટી ચંદર રાવ પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં કુલ સાત નક્સલીઓ માર્યા ગયા હતા.

પ્રભાકર નક્સલવાદી સંગઠનનો ટોચનો કેડર લીડર

આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રભાકર નક્સલવાદી સંગઠનનો ટોચનો કેડર લીડર હતો અને મહારાષ્ટ્ર-તેલંગાણા સરહદ પર નક્સલી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રભાકર લાંબા સમયથી સુરક્ષા દળોના હિટ લિસ્ટમાં હતો અને તેના પર અનેક ગંભીર નક્સલવાદી ઘટનાઓમાં સંડોવણીનો આરોપ હતો.

નકસલ વિરોધી કાર્યવાહી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી

ગઢચિરોલીમાં નકસલ વિરોધી કાર્યવાહી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી. જેમાં ગઢચિરોલી પોલીસના ખાસ નક્સલ વિરોધી એકમ, “C-60” ની ચૌદ ટુકડીઓએ નારાયણપુર-ગઢચિરોલી સરહદ પર ફોડેવાડા ગામ નજીક ગોઠવાઈ હતી. જંગલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન અને ઘેરાબંધી કાર્યવાહી દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે જવાબી કાર્યવાહીમાં સાત નક્સલીઓ માર્યા ગયા હતા.

સાત નક્સલીઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ

પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા સાત નક્સલીઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ગુરુવારે રાત્રે ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે આ વિસ્તારમાં વધુ ચાર મૃતદેહ મળી આવ્યા હતા. વિસ્તારમાં હજુ પણ સઘન શોધખોળ અભિયાન ચાલુ છે, કારણ કે વધુ નક્સલીઓ છુપાયેલા હોવાની શંકા છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રના ગોંદિયામાં 89 લાખના ઈનામી 11 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

ગઢચિરોલીના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ગુપ્ત માહિતીના આધારે ગઢચિરોલીના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જેના કારણે જવાબી કાર્યવાહી શરૂ થઈ હતી. આ ઓપરેશનમાં સાત નક્સલીઓ માર્યા ગયા હતા. તેમજ ઘટનાસ્થળેથી ત્રણ AK-47 રાઈફલ, એક SLR અને એક 303 રાઈફલ પણ મળી આવી છે. પ્રભાકર ઉપરાંત અન્ય માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ હજુ પણ કરવામાં આવી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button