મહારાષ્ટ્રના ખેડૂતો રિન્યુએબલ ઊર્જા અપનાવીને બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ કરશે: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી અપનાવીને રાજ્યના ખેડૂતો ટૂંક સમયમાં દેશની બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ કરી શકશે.
તેમણે કહ્યું હતું કે દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી ઉપલબ્ધ થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે રાજ્યભરમાં સૌર ઉર્જાથી ચાલતા ગામડાઓ વિકસાવવામાં આવી રહ્યા છે.
‘હરિયાળી ઊર્જા અપનાવવાથી મહારાષ્ટ્રના ખેડૂતો નજીકના ભવિષ્યમાં બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ કરી શકશે,’ એમ મુખ્ય પ્રધાને મંગળવારે મુંબઈમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે ગૃહ ખાતું…
ફડણવીસે મુખ્ય પ્રધાન સૌર કૃષિ ફીડર પ્રોજેક્ટ 2.0 હેઠળ વાશિમ જિલ્લાના ઉમ્બ્રથા અને ધારાશિવ જિલ્લાના નારંગવાડી ખાતેના પ્રોજેક્ટ્સનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે કહ્યું કે સૌર કૃષિ ફીડર યોજના ખેડૂતોને દિવસ દરમિયાન ટકાઉ અને મફત વીજળી પૂરી પાડશે.
હાલમાં, મહારાષ્ટ્રના ખેડૂતોને 16,000 મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવે છે. ફડણવીસે જણાવ્યું હતું કે બધા ફીડર (સબસ્ટેશન અથવા જનરેટિંગ સ્ટેશનથી વિતરણ બિંદુઓ સુધી વીજળી ટ્રાન્સમિટ કરતી પાવર લાઇન)ને સૌર ઊર્જામાં સ્થાનાંતરિત કરવાની પહેલ બે વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને તે તબક્કાવાર પૂર્ણ થશે.