દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પહોંચાડવા સરકાર ઉત્સુક

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું કે સરકાર ઈચ્છે છે કે અસરગ્રસ્ત ખેડૂતોને દિવાળી પહેલા રાહતની રકમ મળી જાય. રાજ્યના ઘણા વિસ્તારમાં અને ખાસ કરીને મરાઠવાડામાં 20 સપ્ટેમ્બરથી પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર આવતા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શિંદેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ‘અમે ખેતરોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. અમારી સરકાર ખેડૂતોની પડખે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળી તેમને મદદ માટે પત્ર સુપરત કર્યો છે. કોઈ સંકટ આવ્યું છે ત્યારે કેન્દ્રએ હંમેશા સમર્થન આપ્યું છે.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી તેમને વરસાદને કારણે મહારાષ્ટ્રની અવસ્થાથી વાકેફ કર્યા છે. અમિત શાહ ગુરુવારે મુંબઈની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા ત્યારે સીએમ અને શિંદે તેમને મળ્યા હતા. શુક્રવારે ફડણવીસે નવી દિલ્હીમાં વડાપ્રધાનને મળી રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળ મારફત મદદ માંગી હતી.
આ પણ વાંચો: દર વર્ષે ખેડૂતોની દુર્દશા, 2015થી 2025 સુધી કૃષિ નુકસાનના ચોંકાવનારા આંકડા
રાજ્ય સરકાર નજીવી મદદ માંગી રહી છે એવા વિપક્ષના દાવા અંગે શિંદેએ જણાવ્યું હતું કે ‘આવા ટીકાકારોએ રાજકારણમાં સામેલ થવાને બદલે લોકોની બેહાલી જોવા માટે ખેતરમાં જવું જોઈએ.’ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે અત્યાર સુધી જાહેર કરાયેલી રાહત રકમને ‘નજીવી રકમ’ ગણાવી છે, જ્યારે શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 50 હજાર રૂપિયાની રાહતની જાહેરાત કરવી જોઈએ.
(પીટીઆઈ)