મહારાષ્ટ્રમાં ડેન્ગ્યુનો પ્રકોપ દર કલાકે આટલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે…

મુંબઈ: ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને તેના કારણે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણકે ઠંડીના કારણે મચ્છરોમાં લાર્વાનું પ્રમાણ વધે છે અને તેના કારણે મચ્છરોની સંખ્યા પણ વધે છે. અને એટલેજ ઠંડી અને ગીચતા હોવાના કારણે મહારાષ્ટ્રમાં મચ્છરોનો ત્રાસ ઘણો વધી ગયો છે. જેના કારણે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે. એર રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં દરરોજ એક કલાકમાં સરેરાશ બે દર્દીઓ ડેન્ગ્યુથી સંક્રમિત થઈ રહ્યા છે. ડેન્ગ્યુના મામલામાં મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. ડેન્ગ્યુના સૌથી વધુ કેસ હાલમાં ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધીમાં દેશભરમાં 2 લાખ 34 હજાર 427 ડેન્ગ્યુના દર્દીઓ હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 17 હજાર 531 છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુના સૌથી વધુ 33 હજાર 75 કેસ નોંધાયા છે. જ્યારે 19 હજાર 672 દર્દીઓ હોવાના કારણે બિહારમાં બીજા નંબરના સૌથી વધારે કેસ નોંધાયા હતા.
મચ્છરજન્ય રોગોને કારણે મુંબઈ સહિત રાજ્યભરના લોકોના આરોગ્ય પર ભારે અસર પડી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં ડેન્ગ્યુના સાત ટકા દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી મુંબઈમાં 4 હજાર 300 દર્દીઓ હતા. ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તેમજ મચ્છરોના ઉપદ્રવને રોકવા અને તેનાથી બચવા માટે નાગરિકોને પણ યોગ્ય સાવચેતી અને કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાયા છે.
જેના કારણે હાલમાં બીએમસી દ્વારા ઠેર ઠેર ધુમાડા કરવામાં આવશે તેમજ કોઇ જગ્યાએ કચરાના ઢગલા ન થવા દેવા તેમજ પાણી ના ભરાવા દેવું અને કોઇ ગંદકી ના થાય તે માટે પણ બીએમસી દ્વારા પગલા લેવામાં આવશે.