મહારાષ્ટ્ર સરકાર સંતોના રાજ્યને વાઇન-વ્હિસ્કી માર્કેટમાં ફેરવી રહી છે: આવ્હાડ

થાણે: એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે રવિવારે મહારાષ્ટ્ર સરકારની દારૂ નીતિની ટીકા કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે સંતોની ભૂમિ સમાન રાજ્યને દારૂની ગર્તામાં ધકેલી દેશે અને લાખો પરિવારોને મુશ્કેલીમાં મુકશે.
એક પત્રકાર પરિષદને સંબોધતા આવ્હાડે જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ (જેમાં મહિલાઓને 1500 રૂપિયાની માસિક સહાય આપવામાં આવે છે) જેવી યોજનાઓના નાણાકીય બોજને પહોંચી વળવા માટે રાજ્યભરમાં 328 નવી દારૂની દુકાનો માટે લાઇસન્સ આપવાની યોજના બનાવી રહી છે.’
આપણ વાંચો: ‘ આ માણસે દેશની વાટ લગાવી છે….’ અન્ના હજારેનો ફોટો શેર કરી જિતેન્દ્ર આવ્હાડે કર્યું ટ્વીટ
‘ખાલી તિજોરી ભરવા માટે દારૂ આધારિત આ નીતિ પરિવારો સાથે વિશ્ર્વાસઘાત છે. લાડકી બહેનને પૈસા ચૂકવવા માટે, મહાયુતિ સરકાર ભાઈઓ, પતિઓ અને પિતાઓને છેતરશે. દેવેન્દ્ર ફડણવીસની સરકાર જાહેર આરોગ્યને બચાવવાને બદલે દારૂના લાઇસન્સ વેચવા બદલ ઇતિહાસમાં નામ નોંધાવશે,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી (એસપી)ના વિધાનસભ્યે દાવો કર્યો હતો કે જ્ઞાનેશ્વર, તુકારામ, તુકાડોજી મહારાજ અને ગાડગે બાબા જેવા સંતોનું રાજ્ય વાઇન અને વ્હિસ્કીના બજારમાં ફેરવાઈ રહ્યું છે.
‘આજે, 50 વર્ષ પહેલાં રદ કરાયેલા લાઇસન્સ એક કરોડ રૂપિયામાં વેચાઈ રહ્યા છે, જ્યારે તે લાઇસન્સ 15 કરોડ રૂપિયાના છે. મારી પાસે 47 કંપનીઓના ડિરેક્ટરોની યાદી છે જે મંત્રાલયના ચક્કર લગાવી રહ્યા છે (આ લાઇસન્સ માટે). આ લોકો આ ભ્રષ્ટ વ્યવસ્થાથી લાભ મેળવી રહ્યા છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: યેઉરમાં 500 રૂપિયામાં બળાત્કારની પરવાનગી, જિતેન્દ્ર આવ્હાડનો ગંભીર આરોપ
સરકારને દરેક ઘરમાં પાણી ઉપલબ્ધ છે કે નહીં તેની પરવા નથી, પરંતુ દારૂનો સંપૂર્ણ પુરવઠો હોવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. ‘જો આ તેમનું વિઝન અને શાસનનું મોડેલ છે, તો પૈસા માટે ગેટવે ઓફ ઈન્ડિયાને પણ વેચી દો.
જ્યારે 1974માં રાજ્ય સરકારે આવું જ કંઈક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મૃણાલતાઈ ગોરે, અહિલ્યાબાઈ રાંગણેકર અને મધુ દંડવતે જેવા દિગ્ગજોએ વિરોધ કર્યો હતો જેના કારણે તે પાછો ખેંચાઈ ગયો. પચાસ વર્ષ પછી, આ સરકાર ફરીથી એ જ અગ્નિ પરીક્ષણ કરી રહી છે,’ એમ આવ્હાડે કહ્યું હતું.
તેમણે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓને રાજ્ય સરકારની દારૂ નીતિનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરવા વિનંતી કરી હતી. તેમણે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના યેઉર વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારોમાં દારૂના કથિત વેચાણનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે આબકારી અધિકારીઓ આ કૌભાંડમાં હાથ ધરાવે છે.
આપણ વાંચો: જિતેન્દ્ર આવ્હાડ બેડીમાં વિધાન ભવનમાં આવ્યા
આકસ્મિક રીતે, આઠમી જુલાઈના રોજ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જેઓ નાણા અને રાજ્ય આબકારી મંત્રાલય ધરાવે છે, તેમણે વિધાનસભાને એવી માહિતી આપી હતી કે 1972 પછી રાજ્યમાં કોઈ નવા દારૂના લાઇસન્સ આપવામાં આવ્યા નથી, જોકે હાલના લાઇસન્સનું એક સ્થાનથી બીજા સ્થાને ટ્રાન્સફર કરવાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને કરવાની મંજૂરી છે.
તેમણે વિધાનસભાને એમ પણ કહ્યું હતું કે હાલના નિયમો હેઠળ એવી કોઈ કાનૂની જોગવાઈ નથી કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનોને તેમના અધિકારક્ષેત્રમાં દારૂના લાઇસન્સ રદ કરવાના ઠરાવો પસાર કરવાની મંજૂરી આપે.
પવાર ખારઘરમાં દારૂના લાઇસન્સ રદ કરવા અને તેને દારૂ-મુક્ત ઝોન જાહેર કરવા અંગે પનવેલના ભાજપના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર દ્વારા આપવામાં આવેલી ધ્યાન ખેંચવાની નોટિસનો જવાબ આપી રહ્યા હતા.