મહારાષ્ટ્રનો દોષી ઠેરવવાનો દર 53 ટકા થયો છે, તે 90 ટકા સુધી જઈ શકે છે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુનેગારોને દોષી ઠેરવવાનો દર 2013માં નવ ટકા હતો તે હવે વધીને ત્રેપન ટકા થયો છે અને નવા ફોજદારી કાયદાઓ હેઠળ તે વધીને 90 ટકા સુધી પહોંચી શકે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
એક કાર્યક્રમને સંબોધતા ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહેલા ફડણવીસે કહ્યું હતું કે નવા અમલમાં મુકાયેલા કેન્દ્રીય ફોજદારી કાયદાઓ ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓને કાયદેસર રીતે માન્યતા આપીને પીડિતોને સમયસર ન્યાયની ખાતરી આપશે.
‘એક સદી કરતાં વધુ સમય પહેલાં બ્રિટિશરો દ્વારા ઘડવામાં આવેલા (ભૂતપૂર્વ) ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને પુરાવા અધિનિયમ, ઝડપી ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યા ન હતા, જ્યારે નવા કાયદા (બીએનએસ, બીએનએસએસ અને બીએસએ) પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારો માટે કડક સજા સુનિશ્ર્ચિત કરવા માટે તૈયાર કરાયેલા છે,’ એમ તેમણે આઝાદ મેદાનમાં નવા ફોજદારી કાયદાઓ પર આયોજિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું હતું.
આ પણ વાંચો: બિહારમાં કોંગ્રેસ માટે શરમજનક હાર, એઆઈએમઆઈએમ, ડાબેરીઓએ પણ સારું પ્રદર્શન કર્યું: ફડણવીસ
નવા ફોજદારી કાયદાઓ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષમ અધિનિયમ, એ અનુક્રમે ભારતીય દંડ સંહિતા (આઈપીસી), ફોજદારી કાર્યવાહી સંહિતા (સીઆરપીસી) અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે નવા કાયદાઓ રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાની મંજૂરી આપે છે અને ઈ-એફઆઈઆરની પણ જોગવાઈ કરે છે, જેના કારણે ગુનેગારો માટે અન્ય રાજ્યોમાં ભાગી જઈને કાર્યવાહીથી બચવાનું મુશ્કેલ બને છે.
ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુનેગારોને દોષી ઠેરવવાનો દર 2013માં માત્ર નવ ટકા હતો તે હવે વધીને ત્રેપન ટકા થયો છે, અને નવા કાયદાઓ હેઠલ તેને 90 ટકા સુધી વધારી શકાય તેમ છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં દેશની સૌથી અદ્યતન સાયબર લેબ દ્વારા 60થી વધુ છોકરીઓને સાયબર ગુંડાગીરીમાંથી બચાવી લેવામાં આવી છે. ફડણવીસે ઉમેર્યું હતું કે, ‘મોબાઇલ ફોરેન્સિક વૅનનો ઉપયોગથી પેન્ડન્સી ઘટાડવામાં અને પુરાવાઓની પારદર્શક તપાસ સુનિશ્ર્ચિત કરવામાં મદદ મળી હતી.’
આ પણ વાંચો: પાર્થ પર કાર્યવાહી કરવામાં ફડણવીસની લાચારી?
પોલીસિંગને મજબૂત બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા ફડણવીસે કહ્યું કે પોલીસિંગમાં સુધારા, ભરતી નિયમો અપડેટ કરવા અને મોટા પુનર્ગઠન માટે 14 સરકારી ઠરાવો (જીઆર) જારી કરવામાં આવ્યા છે. ‘તાજેતરના વર્ષોમાં 50,000થી વધુ પોલીસ પોસ્ટ્સ ભરવામાં આવી છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રદર્શનમાં ફરિયાદ નોંધાવવાથી લઈને દોષી ઠેરવવા સુધીની સમગ્ર પ્રક્રિયાને જીવંત પ્રદર્શનો દ્વારા દર્શાવવામાં આવી છે. ફડણવીસે અધિકારીઓને વિભાગીય અને જિલ્લા સ્તરે સમાન પ્રદર્શનો યોજવાનો નિર્દેશ આપ્યો હતો.



