Waqf Bill મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું સરકાર પદ્મનાભ મંદિરનું સોનું પડાવવા માંગે છે…

નાશિક: વકફ સુધારા કાયદા પાછળ જમીન સંપાદન એ ભાજપ સરકારનો હેતુ છે એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળેએ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે સરકારનો ડોળો પ્રખ્યાત પદ્મનાભ મંદિરમાં (કેરળમાં) મોટા પ્રમાણમાં સોનું “પડાવી લેવા” પર છે. સપકાળે બંધારણની આવૃત્તિ લઈને નાશિકના કલારામ મંદિરની મુલાકાત લીધી હતી અને રામનવમી નિમિત્તે પ્રાર્થના કરી હતી.
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભગવાન રામ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. બાબાસાહેબ આંબેડકરે નાશિકના ઐતિહાસિક કલારામ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે વિરોધ કર્યો હતો, પરંતુ તત્કાલીન તંત્રએ એમને અટકાવ્યા હતા.
કોંગ્રેસ કાર્યકર્તાઓની એક સભાને સંબોધિત કરતા સપકાળે જણાવ્યું હતું કે ‘અંગ્રેજોએ દિલ્હીને પોતાની રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે એવી માંગ કરવામાં આવી હતી કે જમીન સંપાદન કરતી વખતે પૂજા સ્થળોને સુરક્ષિત રાખવામાં આવે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા સપકાળેએ કરી મોટી વાત…
આ હેતુ માટે, વકફ બોર્ડની રચના 1913માં પુનર્વસન અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. તેની રચના તમામ ધર્મ સ્થળોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવી હતી અને મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા.’
તેમણે આરોપ કર્યો હતો કે વકફ સુધારા ખરડો પસાર કર્યા પછી ભાજપ સરકાર જમીન સંપાદન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ પદ્મનાભ મંદિરમાં મોટા પ્રમાણમાં રહેલું સોનું કબજે કરવા માંગે છે’. ઉલ્લેખનીય છે કે, તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિરને શ્રી વૈષ્ણવ પરંપરામાં ભગવાન વિષ્ણુનું પવિત્ર ધામ માનવામાં આવે છે.