Mission Election: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ આટલા મુદ્દાનો ચૂંટણીના ઢંઢેરામાં સમાવેશ કરી શકે
મુંબઈ: કોંગ્રેસ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઘોષણાપત્રમાં બેરોજગારી અને મોંઘવારી જેવા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત ખેડૂતો અને યુવાનો સામેના મુદ્દાઓને પ્રાધાન્ય આપશે એમ પક્ષના રાજ્ય એકમના અધ્યક્ષ નાના પટોલેએ આજે જણાવ્યું હતું.
ચૂંટણી ઢંઢેરા સંબંધિત સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ હશે એમ તેમણે કહ્યું હતું. દક્ષિણ મુંબઈમાં પક્ષ કાર્યાલય ગાંધી ભવન ખાતે યોજાયેલી પક્ષની પ્રદેશ કોર કમિટીની બેઠકમાં ભાગ લીધા બાદ પટોલે વિગતો આપી રહ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે Congress-AAP સજ્જ: કોંગ્રેસની આટલી બેઠક પર નજર
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં યોજાય તેવી શક્યતા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતી (20 ઓગસ્ટ)ના દિવસે મુંબઈમાં સભા આયોજિત કરી કોંગ્રેસે ચૂંટણીનું બ્યુગલ વગાડવાનો નિર્ણય કરી લીધો છે.
વધુ જાણકારી આપતા પટોલેએ જણાવ્યું હતું કે બુધવારે મુંબઈમાં યોજાયેલી કોર કમિટીએ ખેડૂતો અને યુવાનોના કલ્યાણ, બેરોજગારી અને ફુગાવાના પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચાને પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પ્રકાશિત કરવામાં આવશે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટની સભા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તારમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજાશે. આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભાગ લેશે. શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ, નારાજ કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
પક્ષની કોર કમિટીએ સભાના આયોજનની તૈયારીઓ, મહા વિકાસ અઘાડી (એમવીએ)ના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અને ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી એમ પાર્ટીના નેતા નસીમ ખાને બેઠક બાદ જણાવ્યું હતું. એમવીએની સંકલન સમિતિ બેઠકોની વહેંચણી અંગે વાટાઘાટો કરશે જેમાં એમવીએ ત્રણેય ઘટકના બે સભ્ય હાજર રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
(પીટીઆઈ)