મહારાષ્ટ્ર

સરપંચ હત્યા સાથે મુંડેના જોડાણ દર્શાવતા પુરાવા મળે તો મુખ્ય પ્રધાન મુંડેને રાજીનામું આપવાનું કહેશે: ચંદ્રકાંત પાટીલ

મુંબઈ: સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે સાંકળતા કોઈપણ પુરાવા મળશે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેને રાજીનામું આપવાનું કહેશે, એમ તેમના કેબિનેટના સાથી અને ભાજપના પીઢ નેતા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.

ભાજપના નેતા પાટીલે રવિવારે સાંગલીમાં પત્રકારોને જણાવ્યું હતું કે દેશમુખની હત્યાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

મુંડેના સહયોગી વાલ્મિક કરાડની સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
બીડ જિલ્લાના પરલીના એનસીપીના વિધાનસભ્ય મુંડે, શાસક ગઠબંધનના કેટલાક સાથીદારો અને વિપક્ષ દ્વારા કરાડ સાથેના તેમના સંબંધોને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે.

‘સંતોષ દેશમુખની હત્યા કેસની તપાસ ચાલી રહી છે. દરેક બાબત અલગ છે. સરકારના વડા તરીકે, દેવેન્દ્ર ફડણવીસ નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જો તેમને એવું લાગશે છે કે આરોપોમાં કોઈ તથ્ય છે, તો તેઓ તાત્કાલિક કાર્યવાહી કરશે અને મુંડેને રાજીનામું આપવાનું કહેશે,’ એમ પાટીલે કહ્યું હતું.

આ પણ વાંચો: બીડ જિલ્લાના સરપંચની હત્યા પ્રકરણ સુરેશ ધસે ફરી આક્રમક

‘મહારાષ્ટ્ર સરકારે સરપંચ દેશમુખ હત્યા કેસમાં આરોપીઓની મિલકતો પહેલાથી જ જપ્ત કરી લીધી છે. તેમની સામે કડક કલમો લગાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે,’ એમ ભાજપ નેતાએ કહ્યું હતું.

પોલીસ તંત્ર આ કેસની સઘન તપાસ કરી રહ્યું છે અને તેની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) પણ બનાવવામાં આવી છે, એમ પાટીલે જણાવ્યું હતું.

વધુમાં તપાસની દેખરેખ માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે, એમ પણ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.

પાટીલે નિર્દેશ કર્યો હતો કે વાલ્મિક કરાડ અને અન્ય આરોપીઓ સામે કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવા સહિત પગલાં લેવામાં આવ્યા છે.

પાટીલે ઉમેર્યું હતું કે, કરાડની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button