મહારાષ્ટ્ર

બિલ્ડરના કર્મચારીનું અપહરણ કરી,ઈલેક્ટ્રિક શૉક આપનારા બે સામે ગુનો

પાલઘર: બિલ્ડરની ઑફિસમાં કામ કરતા 19 વર્ષના યુવાનનું કથિત અપહરણ કરવામાં આવ્યા પછી તેને વીજળીના આંચકા આપવામાં આવ્યા હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બનતાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર બેમાંથી એક આરોપી રવીન્દ્ર નાઈક વિરારમાં રહેતા અને પાલઘરમાં બિલ્ડિંગનું બાંધકામ હાથ ધરનારા બિલ્ડર પાસેથી ‘પ્રોટેક્શન મની’ નામે રૂપિયાની માગણી કરતો હતો.


ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સોમવારે નાઈક તેના સાથી સાથે બિલ્ડરની ઑફિસમાં આવ્યો હતો. નાઈકના કહેવાથી ઑફિસમાં હાજર બિલ્ડરના કર્મચારીએ બિલ્ડરને ફોન કર્યો હતો. આરોપીએ બિલ્ડર પાસેથી પચીસ હજાર રૂપિયાની માગણી કરી હતી. તે સમયે બિલ્ડર પોતાના ઘરે હતો.


બિલ્ડરે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં તેના કર્મચારીનું કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. નાઈકના ઘરમાં પૂરી રાખવામાં આવેલા કર્મચારીની મારપીટ કર્યા પછી તેને ઈલેક્ટ્રિકના કરન્ટ આપવામાં આવ્યા હતા. કર્મચારીની મદદ માટેની બૂમો સાંભળી પડોશીઓ દોડી આવ્યા હતા. પડોશીઓની મધ્યસ્થીને કારણે કર્મચારી આરોપીની ચુંગાલમાંથી છૂટ્યો હતો.


ફરિયાદમાં જણાવાયું હતું કે બિલ્ડર ઑફિસે પહોંચ્યો ત્યારે કર્મચારી રડી રહ્યો હતો. બિલ્ડરે પૂછપરછ કરતાં કર્મચારીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. આ પ્રકરણે બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે પાલઘર પોલીસે સોમવારે ભારતીય દંડ સંહિતાની કલમ 324, 364એ, 342, 504 અને 506 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button