મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે બ્લેકસ્ટોન ગ્રુપ સાથે રૂ. 5,127 કરોડના એફડીઆઈના કરાર પર હસ્તાક્ષર કર્યા, 27,500થી વધુ નોકરીઓનું સર્જન થશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે બ્લેકસ્ટોન ગ્રુપની પેટાકંપનીઓ, એક્સએસઆઈઆઈઓ લોજિસ્ટિક્સ પાર્ક્સ અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સાથે સમજૂતીના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા, જેનાથી રૂ. 5,127 કરોડનું એફડીઆઈ આવશે અને 27,510 નોકરીઓનું સર્જન થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ઉદ્યોગ સચિવ ડો. પી. અનબાલગન અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સના પ્રમુખ આર. કે. નારાયણન વચ્ચે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મુખ્ય પ્રધાનના કાર્યાલય (સીએમઓ) તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે આ એમઓયુનો હેતુ મહારાષ્ટ્રના મુખ્ય ઔદ્યોગિક અને મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ હબમાં આધુનિક લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે સશસ્ત્ર દળો સાથે બેઠક યોજી મુખ્ય પ્રધાન ફડણવીસે અસરકારક સંકલનની ખાતરી આપી

કરાર મુજબ 794.2 એકર જમીન પર 10થી વધુ આધુનિક ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવામાં આવશે, જેનું બાંધકામ 1.85 કરોડ ચોરસ ફૂટ જમીન પર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ્સ 5,127 કરોડ રૂપિયાનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) લાવવાની અપેક્ષા રાખે છે અને આશરે 27,510 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉત્પન્ન કરશે, એમ તેમાં જણાવાયું છે.

આ લોજિસ્ટિક્સ પાર્ક નાગપુર, ભિવંડી (થાણે જિલ્લો), ચાકણ (પુણે), સિન્નર (નાશિક) અને પનવેલ (રાયગઢ) સહિત મુખ્ય સ્થળોએ વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની તમામ આરટીઓ બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને પરિવર્તનશીલ ભાગીદારી ગણાવતા કહ્યું કે, ‘આ સહયોગ નાગપુર, મુંબઈ અને પુણે જેવા શહેરોમાં વિશ્ર્વ કક્ષાના, પર્યાવરણીય-સામાજિક-અને-શાસન (ઈએસજી)-અનુરૂપ ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ હબ વિકસાવવા તરફ એક પગલું છે. તે ભારતમાં ઉત્પાદન, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઇન શ્રેષ્ઠતા માટે એક મજબૂત પાયો સ્થાપિત કરશે.’

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ અશ્ર્વિની ભીડે, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી)ના સીઈઓ પી વેલારાસુ, નાયબ સચિવ લક્ષ્મીકાંત ધોકે, બ્લેકસ્ટોન એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર તુહિન પરીખ, બ્લેકસ્ટોન એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આલોક જૈન અને એક્સએસઆઈઆઈઓ લોજિસ્ટિક્સ પાર્ક્સના મેનેજિંગ ડિરેક્ટર આશિષ અગ્રવાલ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button