આખરે ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન: મહારાષ્ટ્રના ‘ક્યા’ જિલ્લાએ ઇતિહાસ રચ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણીમાં મોટો વળાંક જોવા મળ્યો છે. બજાર સમિતિની ચૂંટણી માટે ભાજપના વિધાનસભ્ય સચિન કલ્યાણશેટ્ટીના નેતૃત્વમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પેનલ બનાવવામાં આવી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય દિલીપ માને, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુરેશ હંસાપુરે અને કોંગ્રેસના નેતા બાળાસાહેબ શેળકેએ ભાજપના વિધાનસભ્ય સચિન કલ્યાણશેટ્ટીના નેતૃત્વ હેઠળની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી છે.
સચિન કલ્યાણશેટ્ટીએ ભાજપના વિધાનસભ્ય સુભાષ દેશમુખ અને વિધાનસભ્ય વિજયકુમાર દેશમુખને પણ સાથે આવવા અપીલ કરી છે. પરંતુ ભૂતપૂર્વ સહકાર પ્રધાન સુભાષ દેશમુખ ફરી એકવાર અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા છે. ગત ચૂંટણી દરમિયાન, કોંગ્રેસના નેતા દિલીપ માનેએ તત્કાલીન પાલક પ્રધાન અને ભાજપના વિધાનસભ્ય વિજય કુમાર દેશમુખના નેતૃત્વ હેઠળની પેનલને ટેકો આપ્યો હતો. વિધાનસભ્ય સુભાષ દેશમુખ વિપક્ષી પેનલમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની તૈયારીઃ આ નેતાએ ભાજપ-કોંગ્રેસને ઉખાડી ફેંકવાની કરી વાત…
સચિન કલ્યાણ શેટ્ટીએ શું કહ્યું?
‘અમે મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં આ ચૂંટણી લડી રહ્યા છીએ, આમાં પક્ષીય રાજકારણનો કોઈ મુદ્દો નથી.’ બંને દેશમુખ અમારા નેતા છે, અમે તેમને પણ સાથે આવવા અપીલ કરી છે, પરંતુ ઘણા બધા લોકો અરજીઓ દાખલ કરી રહ્યા હોવાથી, ચૂંટણી બિનહરીફ થવી મુશ્કેલ છે, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ,’ એમ ભાજપના વિધાનસભ્ય સચિન કલ્યાણશેટ્ટીએ જણાવ્યું.
કોંગ્રેસ નેતા દિલીપ માનેની પ્રતિક્રિયા
મુખ્ય પ્રધાને સચિન દાદાને સૂચના આપી હતી અને તેમણે અમને અપીલ કરી હતી અને અમે તેનો સ્વીકાર કરીએ છીએ. તેથી અમે સાથે આવીને લડવાનું નક્કી કર્યું છે. અમારું લક્ષ્ય બજાર સમિતિના હિતોનું છે. કોંગ્રેસના નેતા દિલીપ માનેએ સ્પષ્ટતા કરી છે કે હું સહકાર અંગે સ્વતંત્ર નિર્ણયો લઉં છું, હું આત્મનિર્ભર છું.