મહારાષ્ટ્રમાં આટલા હજાર કરોડોનું વિદેશી રોકાણ! ઉદ્યોગ પ્રધાને આપી ચોંકાવનારી માહિતી
મુંબઈ: ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ મહારાષ્ટ્રમાં થતું હોવાનો દાવો રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કર્યો હતો અને છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં વિદેશમાંથી 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય ઉદ્યોગોનું કેન્દ્ર બને એ માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગઢચિરોલી રાજ્યમાં સ્ટીલના હબ(કેન્દ્ર) તરીકે વિકાસ પામી રહ્યું હોવાનું પણ સામંતે જણાવ્યું હતું.
એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું હતું કે ગઢચિરોલીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે યુવાનો માટે રોજગારને અનેક તકો ઊભી થઇ રહી છે. નાશિક જિલ્લામાં પણ થોડા સમયમાં મોટા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
એગ્રો આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામા આવી રહ્યું હોવાનું તેમ જ બૅંકો આવા ઉદ્યોગોને લૉન આપી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાંથી કોઇપણ ઉદ્યોગ બહાર ગયો નથી. નવી મુંબઈના મહાપેમાં ટૂંક સમયમાં ‘જેમ્સ અને જ્વેલરી પાર્ક’ પણ ઊભું કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષોના ગઠબંધન મહાવિકાસ આઘાડી(એમવીએ) દ્વારા મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો બહાર જઇ રહ્યા હોવાનું અને મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતને આપવામાં આવી રહ્યા હોવાના આરોપો થતા રહે છે. આ આરોપોને ફગાવતા સામંતે મહારાષ્ટ્રમાં થઇ રહેલા રોકાણ બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ઉદ્યોગો માટે પાયાભૂત સુવિધાઓ તૈયાર કરવાની પ્રક્રિયા પણ ઝડપી ગતિએ ચાલી રહી છે.