Assembly Election: મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં અસંતોષનું મૂળ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી અને તેમાં પણ કૉંગ્રેસે સારો દેખાવ કર્યો અને તેને જ ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ વધુ સારો દેખાવ કરવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરી રહી છે ત્યારે કૉંગ્રેસમાં જ આંતરિક વિખવાદી વધી રહ્યો હોવાનું દૃશ્ય જણાઇ રહ્યું છે.
વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિએ મોટો વિજય મેળવતા કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોનુંં મનોબળ થોડું તૂટ્યું છે ત્યારે કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ વિદ્રોહનો વાયરો ફૂંકાઇ રહ્યો છે. કૉંગ્રેસના જ એક વિધાનસભ્યએ વિધાન પરિષદની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગ, જેના કારણે મહાયુતિને 9 બેઠકો પર વિજય મળ્યો, તેનું કારણ નાના પટોલે હોવાનું જણાવતા કૉંગ્રેસનો આંતરિક ગજગ્રાહ લોકોની નજર સમક્ષ આવ્યો છે.
કૉંગ્રેસના વિધાનસભ્ય હિરામણ ખોકરેએ નાના પટોલે પર નિશાન સાધતા જણાવ્યું હતું કે નાના પટોલે પ્રદેશાધ્યક્ષ બન્યા ત્યારથી જ અનેક વિધાનસભ્યો નારાજ છે. વિધાન પરિષદની ચૂંટણી પહેલા એક દિવસ હોટેલમાં અમારા બધાની ચર્ચા થઇ હતી. એ વખતે કોને મતદાન આપવું તે નક્કી થયું હતું. તેની પછી બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યે હાજર રહેવું તેવું નક્કી થયું હતું. સાડા સાત વાગ્યે બધા વિધાનસભ્યો આવ્યા અને ચર્ચા શરૂ થઇ અને અમને સાત જણને નિલિંદ નાર્વેકરને મતદાન કરવાનું અને છ જણને શેકાપના જયંત પાટીલને મતદાન કરવાનું તેમ જ પચ્ચીસ વિધાનસભ્યોને પ્રજ્ઞા સાતવને મતદાન કરવાનું જણાવ્યું હતું. જોકે, તેમાંથી એક મતદાન ફૂટી ગયું. જયંત પાટીલને કૉંગ્રેસના સાત મત આપવાનું જણાવાયું હતું, પરંતુ કૉંગ્રેસને એકપણ મત તેમને ન મળ્યો. તે છ લોકો પર કોઇ કાર્યવાહી ન થઇ.
તેમણે પટોલે પ્રત્યે નારાજગી અંગે જણાવતા કહ્યું હતું કે નાનું મોં અને મોટી વાત એવું મારાથી ન કરાય, પરંતુ સાચું કહું તો ઘણા જ વિધાનસભ્યો નારાજ છે. હું ગરીબ માણસ છું અને સન્માનથી જીવીએ છીએ. પાંચ વર્ષમાં અમે કંઇ ન બોલ્યા. છેલ્લાંં પાંચ વર્ષમાં વિધાનસભ્યોને એક પણ બેઠક નથી બોલાવાઇ. ફક્ત ચૂંટણી આવી ત્યારે બે દિવસ બોલાવવાના અને પછી તેમને છોડી દેવાના. આ બેઠક પહેલા થઇ હોત તો મતદાન જુદી રીતે થયું હોત.