Maharashtra Election Result Live: રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં જાદુ ચાલ્યો કે નહીં, જાણો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ જીતના રસ્તે છે. મહાયુતિમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યું છે. આ વખતે ચૂંટણીઓમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)એ મોટા મોટા દાવાઓ કર્યા હતા, તેમાંય લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો હાથ ઊંચો રહ્યો હતો ત્યારે બાદ વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો. જોકે, અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે જ્યાં જ્યાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો ત્યાં ચિત્ર ખરાબ જોવા મળી રહ્યું છે.
હકીકત તો એ છે કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં જ્યાં પણ પ્રચાર કરવા ગયા તેમાંથી મોટા ભાગની સીટો પર પણ મહાવિકાસ આઘાડીના ઉમેદવારો હારતા જોવા મળી રહ્યા છે. મહાવિકાસ આઘાડી માત્ર 54 સીટ પર આગળ ચાલી રહી છે અને મહાયુતિ 200થી વધુ સીટ પર આગળ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ નંદુરબાર, ધમણગાંવ રેલવે, નાગપુર પૂર્વ, ગોંદિયા, ચિમુર, નાંદેડ ઉત્તર અને બાંદ્રા પૂર્વ બેઠકો પર ચૂંટણી સભાઓ યોજી હતી. તેમની રેલીઓમાં ભારે ભીડ તો જોવા મળી હતી, પણ એ ભીડે તેમને મત આપ્યા નથી.
આ પણ વાંચો : Maharashtra Election Result Live: પીએમ મોદી અને સીએમ યોગીના આ નારાઓએ કરી કમાલ, મહાયુતિ સરકાર બનાવવા તરફ અગ્રેસર
મહારાષ્ટ્રમાં વિધાન સભાની 7 બેઠક પર રાહુલ ગાંધીએ રેલી યોજી હતી, જેમાં બધી બેઠક પર મહાવિકાસ આઘાડીના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. નંદુરબાર, ધમણગાંવ રેલવે, નાગપુર પૂર્વ, ગોંદિયા, ચિમુરમાં ભાજપ આગળ છે તો નાંદેડ ઉત્તર અને બાંદ્રા પૂર્વ બેઠક પર શિંદેસેનાના ઉમેદવાર આગળ છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીનો બિલકુલ પ્રભાવ દેખાતો નથી.
ઝારખંડમા પણ રાહુલ ગાંધીએ જે સાત સીટો માટે પ્રચાર કર્યો હતો તેમાંથી પાંચમાં ભાજપ આગળ છે અને માત્ર બે પર કૉંગ્રેસ આગળ છે. આમ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ ઝારખંડમાં રાહુલ ગાંધીએ પ્રચાર કરી કૉંગ્રેસના સૂપડાં સાફ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.