ગાયને બચાવવામાં શિવશાહી બસને નડ્યો અકસ્માત, એકનું મોત…

નાગપુરઃ અમરાવતી નાગપુર હાઇવે પર શિવશાહી બસને ગંભીર અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું છે અને 28 મુસાફર ઘાયલ થયા છે.
અમરાવતી-નાગપુર હાઈવે પર આજે સવારે એક શિવશાહી બસનો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ રોડની બાજુમાં પલટી ગઈ હતી.
મળતી માહિતી મુજબ બસ નાગપુરથી અકોલા તરફ જઈ રહી હતી. એ સમયે અમરાવતી-નાગપુર હાઈવે પર બસની સામે અચાનક એક ગાય આવી ગઇ હતી. ડ્રાઇવરે અચાનક બસની સામે આવી ગયેલી ગાયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે બસ પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઇડમાં પલટી ગઇ હતી. બસમાં કુલ 35 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 28 મુસાફરો જખ્મી થયા હતા. આ અકસ્માતને કારણે અમરાવતી-નાગપુર હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાલમાં ઘાયલ મુસાફરોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.