પહલગામ હુમલાના પીડિત પરિવારને મહારાષ્ટ્ર સરકારે 50 લાખ મદદની કરી જાહેરાત
પુણેના પીડિતોના દીકરા-દીકરીએ સરકારનો આભાર માન્યો

પુણે: પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા પુણેની બે વ્યક્તિના પરિવારે નાણાકીય સહાય વધારવા તથા સરકારી નોકરીની ઓફર કરવા માટે આજે મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો હતો. આ સિવાય બાવીસમી એપ્રિલે થયેલા આ હુમલાના સૂત્રધારો સામે કડક પગલાં લેવાની તથા પીડિતોને ન્યાય અપાવવાની માગણી પણ કરી હતી.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ પર્યટકોનાં મોત થયા હતા. મહારાષ્ટ્રના છ પીડિતોમાંથી બે પુણેનાં, ત્રણ ડોંબિવલીનાં અને એક પનવેલનો હતો. મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે છ પીડિતના પરિવારને પચાસ-પચાસ લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની તથા પરિવારની કોઇ પણ એક વ્યક્તિને સરકારી નોકરીની ઓફર કરી હતી.
‘અમે મુખ્ય પ્રધાન અને સરકારનો આભાર માનીયે છીએ. મુખ્ય પ્રધાને અમને કીધુ હતું કે તેઓ આ કટોકટીના સમયમાં અમારી સાથે છે. નાણાકીય મદદ અને નોકરીની ઓફર માટે આભાર’, એમ પુણેના પીડિત સંતોષ જગદાળેની દીકરી આશાવરીએ કહ્યું હતું.
અન્ય પીડિત કૌસ્તુભ ગણબોટેના પુત્ર કુણાલે કહ્યું હતું કે નાણાકીય સહાય અને નોકરીની ઓફર માટે આભાર, પણ આતંકવાદ સામે કડક પગલાં લેવાય એવી મારી ઇચ્છા છે. ફક્ત ચાર આતંકવાદીને ઠાર કરવાનું પૂરતું નથી. હુમલાના મુખ્ય સૂત્રધારોને લક્ષ્ય બનાવીને ન્યાય મળશે.