મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની આ જગ્યા છે સ્ટ્રોબેરી કેપિટલ, દેશના કુલ ઉત્પાદનના 80 ટકા ઉત્પાદન થાય છે અહીં…

ભારતના અનેક શહેરો ત્યાં મળતી કોઈ વાનગી, વસ્તુ કે ફળફળાદિ માટે પ્રખ્યાત છે, જેમ કે તમે નાગપુરનું નામ લો એટલે ખાટામીઠા સંતરા આંખો સામે તરવરવા લાગે, એજ રીતે જો તમે નાશિકનું નામ લો તો યાદ આવી જાય સુંદર મીઠી મધુરી દ્રાક્ષ અને એ જ રીતે મુઝફ્ફરપુરને લીચીના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે મહારાષ્ટ્રનું સુંદર એવું હિલ સ્ટેશન મહાબળેશ્વર મહારાષ્ટ્ર જ નહીં પણ ભારતની સ્ટ્રોબેરી કેપિટલ (Strawberry Capital) તરીકે ઓળખાય છે. પરંતુ શું તમને ખ્યાલ છે ખરો કે આખરે મહાબળેશ્વરને આ દરજ્જો કેવી રીતે મળ્યો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં પેદા થતી કુલ સ્ટ્રોબેરીના 80 ટકા ભાગ એકલા મહાબળેશ્વરમાંથી આવે છે. મહાબળેશ્વર કેવી રીતે સ્ટ્રોબેરીનું હબ બન્યું અને તેની ખેતીની વિશેષતાઓ વિશે આજે આપણે અહીં વિસ્તારથી વિગતવાર ચર્ચા કરીશું. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પશ્ચિમ ઘાટ પર સ્થિત મહાબળેશ્વર તેની અદભૂત આબોહવા અને સ્ટ્રોબેરીની વ્યાવસાયિક ખેતી માટે દુનિયાભરમાં જાણીતું છે.

વાત કરીએ મહાબળેશ્વર સ્ટ્રોબેરીનું ગઢ કઈ રીતે બન્યું એના ત્રણ કારણો વિશે તો સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ છે અહીંનું તાપમાન. મહાબળેશ્વરમાં સામાન્ય રીતે 10°C થી 25°Cની વચ્ચે રહે છે, જે સ્ટ્રોબેરીના ફૂલો ખીલવા અને ફળના વિકાસ માટે ઉત્તમ રહે છે, જેને કારણે પણ અહીં મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે.

આ સિવાય મહાબળેશ્વરની માટી પણ એકદમ ખાસ છે. અહીંની માટીની ખાસિયત એ છે કે તે વધારાના પાણીનો નિકાલ સરળતાથી કરી દે છે, જેનાથી છોડના મૂળ સુરક્ષિત રહે છે. ત્રીજા અને છેલ્લાં છતાં મહત્ત્વના તકારણ વિશે વાત કરીએ તો તે છે આધુનિક ફાર્મિંગ ટેક્નોલોજી. દાયકાઓથી ચાલી આવતી પરંપરા અને નવી ટેકનોલોજીના સંગમથી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ઉત્પાદનમાં અગ્રેસર રહ્યું છે.

મહાબળેશ્વરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે, જેમાં ચાંડલર, સ્વીટ ચાર્લી, કેમારોસા જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. વાત કરીએ ચાંડલર સ્ટ્રોબેરી વિશે તો તે : તેના મોટા કદ અને શ્રેષ્ઠ સ્વાદ માટે સૌથી વધુ ઉગાડવામાં આવે છે. આ સિવાય સ્વીટ ચાર્લી સ્ટ્રોબેરી ખૂબ જ ઝડપથી પાકે છે અને તેની મીઠાશ માટે લોકપ્રિય છે અને કેમારોસા સ્ટ્રોબેરી તેના મજબૂત બંધારણને કારણે ટ્રાન્સપોર્ટેશન (હેરફેર) માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સ્ટ્રોબેરીની સિઝન વિશે વાત કરીએ તો સ્ટ્રોબેરીની રોપણી સામાન્યપણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થાય છે. તેની લણણી ડિસેમ્બરમાં શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઉત્પાદન તેની ટોચ પર હોય છે. આ સમયે મહાબળેશ્વર મુંબઈ, પુણે અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરો માટે સપ્લાયનું મુખ્ય કેન્દ્ર બની જાય છે.

પુણેથી લગભગ 120 કિમી દૂર આવેલું મહાબળેશ્વર હિલ સ્ટેશન વધુ ઊંચાઈ પર હોવાને કારણે અહીંનું તાપમાન આસપાસના વિસ્તારો કરતા ઓછું રહે છે. ચોમાસામાં અહીં ભારે વરસાદ પડે છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે અને સ્ટ્રોબેરી સિવાય શેતૂર અને રાસબેરી જેવા ફળોના ઉત્પાદનમાં પણ મદદ કરે છે.

છે ને એકદમ કામની અને એનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button