એ લાડકી બહેનોની રકમ ફરીથી સરકારી તિજોરીમાં જમા…..
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે તેમના ગત વર્ષના જુલાઇના બજેટમાં મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત રાજ્યની પાત્રતા ધરાવતી 21 થી 65 વર્ષની વયજૂથની કરોડો બહેનોના બેંક ખાતામાં દર મહિને 1500 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા ડિસેમ્બરનો હપ્તો પણ બહેનોના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો. રાજ્યવિધાન સભાની ચૂંટણી દરમિયાન મહાયુતિએ જાહેરાત કરી હતી કે જો તેઓ ફરીથી સત્તા પર આવશે તો બહેનોને અપાતી રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. બહેનોનું ધ્યાન એ વાત પર છે કે તેમની રકમ વધારીને 2100 ક્યારે કરવામાં આવશે. હવે આ યોજના અંગે મહત્વનું અપડેટ આવ્યું છે. અયોગ્ય અને અપાત્ર વહાલી બહેનોની રકમ સરકારી તિજોરીમાં પરત જમા કરાવવામાં આવી રહી છે.
એમ જાણવા મળ્યું છે કે માપદંડોનો ભંગ કરીને મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજનાનો ફાયદો ઉઠાવનાર મહિલાઓ પાસેથી તેમને મળેલી રકમ પાછી લઇને સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી રહી છે. ધુલે જિલ્લામાં આ ઘટના બની છે. અહીં એક લાભાર્થી મહિલાને મળેલી રકમ સરકારી તિજોરીમાં ફરીથી જમા કરવામાં આવી છે.
હકીકત એ છે કે જ્યારે લાડકી બહેન યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેની માટે વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, વિધાન સભાની ચૂંટણી ઢૂંકડી હોવાથી ચકાસ્યા વિના તમામ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. હવે આ ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયો છે અને તેઓ ફરીથી સત્તામાં આવ્યા છે. હવે તેમણે લાડકી બહેન યોજના માટે મળેલી અરજીઓની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે.
મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ લાડકી બહેન યોજના માટે મળેલી અરજીઓની ચકાસણી કરવાની જાહેરાત કરી હતી. મહિલાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી શરૂ થઈ ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધુળેના નાકાને ગામની એક મહિલાએ બે વખત આ સરકારી યોજનાનો લાભ લીધો હતો. તેની પાસેથી 7,500 રૂપિયા પરત લેવામાં આવ્યા હતા.