લોકસભા ચૂંટણીઃ મુંબઈની ‘લાઈફલાઈન’માં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો પ્રવાસ
મુંબઈઃ લોકસભાની ચૂંટણી તારીખ નજીકમાં છે ત્યારે મુંબઈ સહિત દેશના તમામ પક્ષો જનતાને રિઝવવાની તૈયારીઓ કરી રહ્યા છે, જેમાં મુંબઈની લાફઈલાઈનમાં તાજેતરમાં શિવસેનાના ઠાકરે જૂથના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને સૌને ચોંકાવ્યા હતા. પશ્ચિમ રેલવેમાં પાલઘર જિલ્લાના બોઈસર સ્થિત સભામાંથી મુંબઈ પરત ફરતી વખતે લોકલ ટ્રેનમાં ઉદ્ધવ ઠાકરે સાથે સંજય રાઉતે પણ મુસાફરી કરી હતી.
પાલઘર લોકસભાના મતવિસ્તાર અને મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઉમેદવાર ભારતી કામડીના પ્રચાર માટે ઉદ્ધવ ઠાકરેએ પાલઘર ખાતે સભામાં પહોંચ્યા હતા. અહીં જાહેરજનતાને સંબોધીને ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આકરી ટીકા કરી હતી.
મહારાષ્ટ્રમાં મોદીનું નામ ચાલશે નહીં. મહારાષ્ટ્રમાં તો ફક્ત ઠાકરે અને પવારનો સિક્કો ચાલશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પણ ઉદ્ધવ ઠાકરેએ ઝાટકણી કાઢી હતી. ઉદ્ધવ ઠાકરેની સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
અહીંની સભા પછી ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતની સાથે અન્ય કાર્યકરોએ બોઈસરથી બાંદ્રા સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. સ્ટેશન પર ઠાકરેની સાથે કાર્યકરો અને મીડિયાના પ્રતિનિધિઓએ પણ કોચમાં પ્રવેશવા માટે દોડાદોડી કરી મૂકી હતી. ઉદ્ધવ ઠાકરે ફર્સ્ટ ક્લાસના કોચમાં વિન્ડો સીટ નજીક બેઠા હતા, જ્યારે તેમની બાજુમાં સંજય રાઉત તેમ જ સામે મિલિંદ નાર્વેકર બેઠા હતા.
મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે ઉદ્ધવ ઠાકરે બોઈસર રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમના સમર્થનમાં લોકોએ સૂત્રોચ્યાર કર્યા હતા. બોઈસર રેલવે સ્ટેશન ખાતે શિવસેના ઠાકરે જૂથના કાર્યકરોની સાથે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને મિલિંદ નાર્વેકર પણ ઉપસ્થિત રહ્યા હતા.