દ. મુંબઈમાં હળવો તો ઉપનગરોમાં રાતભર ભારે વરસાદ, રેલ સેવાને અસર
મુંબઇમાં લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. ભારે ગરમીથી મુંબઈગરાઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. દરેક જણ રાહ જોઇ રહ્યા હતા કે ક્યારે પડશે વરસાદ? આખરે મુંબઇગરાની આતુરતાનો અંત આવી ગયો અને લોકોના દિલને તરબતર કરવા મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી છે.
મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. મુંબઇ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં 9મી અને 10મી જૂને વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન, વરસાદ પહેલા દિવસે જ જોરદાર બેટિંગ કરવાની તૈયારી છે એવું લાગી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગે મુંબઈ, થાણેમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી અને મુંબઇની લાઇફલાઇન સમી રેલવેમાં પણ મેગા બ્લોક હોવાથી મુંબઈગરાઓને જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાની વિનંતી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજે મુંબઇમાં આંશિક વાદળછાયા આકાશની અને ઢળતી સાંજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સાંજે મેઘગર્જના સાથે વરસાદી ઝાંપટા આવી શકે છે.
દરમિયાન મહારાષ્ટ્રના પુણે ખાતે શનિવારે થયેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકને પણ અસર થઇ હતી. પુણે શહેરના પાલક પ્રધાન અજીત પવાર એક્શન મોડમાં આવ્યા હતા અને તેમણે વહીવટીતંત્રને વરસાદમાં અટવાયેલા નાગરિકોને મદદ કરવા અને ટ્રાફિકને સરળ બનાવવા સૂચના આપી હતી.
ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાં અને તોફાની પવનો સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.