માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ પુણેમાં લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતનું ઉષ્માભર્યું સ્વાગત

પુણે: 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કરેલા સાત આરોપીઓમાંથી એક લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનું રવિવારે પુણેમાં તેમના ઘરે પરત ફરતા પરિવારના સભ્યો અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુરુવારે મુંબઈની એક ખાસ અદાલતે પુરોહિત, ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને પાંચ અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા, ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં થયેલા વિસ્ફોટમાં છ લોકોના મોત થયાના લગભગ 17 વર્ષ પછી. તેમને નિર્દોષ જાહેર કરતી વખતે, કોર્ટે નોંધ્યું હતું કે તેમની વિરુદ્ધ ‘કોઈ વિશ્ર્વસનીય અને મજબૂત પુરાવા’ નથી.
આપણ વાંચો: કવર સ્ટોરીઃ માલેગાંવ-મુંબઈ: બોમ્બધડાકા બધા જ ‘આરોપી’ નિર્દોષ!
રવિવારે પુણે પરત ફરતા, તેમના મિત્રો, પરિવારના સભ્યો, સમર્થકો, વિવિધ જમણેરી સંગઠનોના સભ્યો અને અન્ય લોકો લો કોલેજ રોડ પર સ્થિત તેમના નિવાસસ્થાન શાંતિશીલા હાઉસિંગ સોસાયટીની બહાર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા અને કેસમાં તેમની નિર્દોષ છૂટની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા.
ઢોલ-તાશા (પરંપરાગત ઢોલ)ના નાદ અને ફૂલોની પાંખડીઓના વરસાદ વચ્ચે પુરોહિતની ખુલ્લી જીપમાં સવારી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સરઘસમાં ભાગ લેનારાઓએ ‘જય શ્રી રામ’ અને ‘સનાતન ધર્મ કી જય’ના નારા લગાવીને તેમના નિર્દોષ છૂટવાના સ્વાગતમાં ખુશી વ્યક્ત કરી હતી.
પુરોહિત જ્યાં રહે છે ત્યાં હાઉસિંગ સોસાયટીના ઘણા સભ્યો પણ તેમનું ફૂલોથી સ્વાગત કરવા અને ભગવા ધ્વજ લહેરાવવા માટે બહાર આવ્યા હતા. આ પ્રસંગે બોલતા પુરોહિતે કહ્યું હતું કે, ‘મને ખૂબ જ આનંદ છે કે મારું આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મારો આખો પરિવાર આ સ્થળે મારી રાહ જોઈ રહ્યો છે. મારો આખો પરિવાર અહીં આવ્યો છે; હું અહીં મોટો થયો છું. આ બધા લોકો મને મળવા અહીં આવ્યા છે.’