લાડકી બહેન યોજનાનો ફટકો શિક્ષકોને? ડિસેમ્બર મહિનાનો પગાર મોડો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લોકપ્રિય આર્થિક સહાયના કેવા આકરાં પરિણામો ભોગવવા પડશે એની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોના શિક્ષકોનો ડિસેમ્બર મહિનાનો પગાર મોડો થવાનો છે. રાજ્ય સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હોવાને કારણે પગારમાં મોડું થવાનું છે એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, બીજી તરફ લાડકી બહેનનો હપ્તો ડિસેમ્બરમાં આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના શિક્ષકોના પગાર પહેલીથી પાંચમી તારીખ વચ્ચે ચૂકવવામાં આવે છે. જેમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો અને અર્ધ-સરકારી શાળાના શિક્ષકો, સરકારી શાળાઓના શિક્ષકોનો પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ તેની તૈયારીઓ પચીસથી 27 તારીખ સુધીમાં પૂર્ણ કરવામાં આવે છે. રાજ્યમાં બધું મળીને સાડાચાર લાખ શિક્ષકો છે, આ બધાનું વેતન તૈયાર કરીને આપવામાં આટલા દિવસો લાગે છે.
લાડકી બહેન સહતિની યોજનાઓ પાછળ ખર્ચની જોગવાઈઓ કરવામાં આવી રહી હોવાથી ગુરુવાર સુધી શિક્ષકોના પગાર અંગેની જોગવાઈ કરવામાં આવી નહોતી. લાડકી બહેન યોજનાના હપ્તા બેંકમાં જમા કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. આથી હવે શિક્ષકોના વેતનની તૈયારીમાં વિલંબ થયો છે. આવી સ્થિતિમાં પહેલી થી પાંચમી સુધીમાં શિક્ષકોના પગારમાં લગભગ બેથી ત્રણ દિવસનો વિલંબ થઈ શકે છે. એટલે કે નવા વર્ષમાં શિક્ષકોના આવતા નાણાંમાં બેથી ત્રણ દિવસનો વિલંબ થઈ શકે છે.
આ પણ વાંચો ; મહારાષ્ટ્રનાં વાહનો માટે હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટની કિંમત કેટલી હોય છે જાણો?
આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર નવા વર્ષમાં શિક્ષકોના પગારમાં બેથી ત્રણ દિવસનો વિલંબ થવાની શક્યતા છે. લાડકી બહેન યોજનાના કારણે રાજ્યની તિજોરી પર આર્થિક બોજ આવ્યો હતો અને શિક્ષકોના પગારની જોગવાઈ અટકી પડી હતી. આ રકમ શુક્રવારે મોડી રાત્રે વર્ગીકૃત કરવામાં આવી છે. શિક્ષકોના પગારની રકમ હમેશા 15મી સુધી વર્ગીકૃત કરવામાં આવે છે અને જિલ્લા વહીવટીતંત્ર પાસે 20 તારીખ સુધીમાં ફાળવણી થઈ જાય છે. આ વખતે ફાળવણી 27 તારીખ પછી થઈ હોવાથી હવે વહેલી તકે પગાર ચૂકવવા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ મહિને રાજ્યમાં ક્યાંક બે-ત્રણ દિવસ તો ક્યાંક પાંચ દિવસનો વિલંબ થઈ શકે છે.