‘લાડકી બહિણ’ માટે 3,700 કરોડ રૂપિયાનો ચેક અપાયોઃ આ તારીખથી હપ્તો અપાશે
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લાડકી બહિણ યોજનાનો મુદ્દો સૌથી ગાજ્યો હતો, જ્યારે મહાયુતિની સરકાર માટે મહત્ત્વનો મુદ્દો બન્યા પછી હવે આ યોજના અન્વયે લાભપાત્ર મહિલાઓને હપ્તાની રકમ 26મી જાન્યુઆરી સુધી આવશે.
નવેમ્બરમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા વર્ષના ‘લાડકી બહિણ’ના હપ્તા ક્યારે શરૂ થશે તે અંગે આ યોજનાના લાભાર્થીઓમાં ઉત્સુકતા હતી. તદુપરાંત આ યોજનાને લઇને ઘણી શંકાઓ હતી, યોજનાના માપદંડોને કારણે ઘણી મહિલાઓ અયોગ્ય બની શકે છે, આવી ચર્ચા ચાલી રહી હતી. આ બાબતે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે સ્પષ્ટતા કરી છે.
આ મહિલાઓને નહીં મળે લાભ
અજિત પવારે કહ્યુ કે, “વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે જો મહાગઠબંધનની સરકાર આવશે તો લાડકી બહેનોને પૈસા નહીં મળે, પણ અમે અમારું વચન પૂરું કરીશું. પરંતુ યોજનામાં રહેલી ખામીઓને દૂર કરાશે. જે બહેનો ખેતીના કામમાં જાય છે, વાસણ ધોવા જાય છે, તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે, જે રૂ. ૧,૫૦૦નું મહત્વ સમજે છે, માત્ર તેમને જ યોજનાનો લાભ આપવામાં આવશે. ઇન્કમ ટેક્સ ભરનારી મહિલાઓ, વધુ પગાર મેળવનારી મહિલાઓને ૧૫૦૦ રૂપિયા મળશે નહીં,” એમ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.
વધુ આવક ધરાવનારી મહિલાને લાભ નહીં મળે
અજિત પવારે વધુમાં કહ્યું કે જે મહિલાઓની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી ઓછી છે, જેમનો મહિનાનો પગાર રૂ. ૨૧ હજારથી ઓછો છો, તેમને આ લાભ મળશે. હવે મારી વહાલી બહેનોને વિનંતી છે કે જેમની આવક ૨.૫ લાખથી વધુ છે તેઓએ આ યોજનાનો માટેની લાભ ન લેવો.
મહિલા-બાળ વિકાસ વિભાગને આપ્યો ચેક
લાડકી બહિણના આગામી હપ્તા વિશે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગને ૩,૭૦૦ કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. હવે કેટલીક મહિલાઓના ખાતામાં પૈસા આવવા લાગ્યા છે અથવા ૨૬મી સુધી આવશે.