કોલ્હાપુરમાં ગઠિયા ખેલ કરી ગયાઃ વિજિલન્સ અધિકારીના સ્વાંગમાં વેપારીના 25 લાખ લૂંટ્યા
કોલ્હાપુરઃ વિધાનસભાની ચૂંટણીને કારણે રોકડ-વ્યવહારોની લેવડદેવડ પર ચૂંટણી પંચની બાજ નજર છે ત્યારે તાજેતરમાં રાજ્યના કોલ્હાપુરમાંથી વિજિલન્સ અધિકારીઓના સ્વાંગમાં એક ઉદ્યોગપતિ પાસેથી 25 લાખ રુપિયાની લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો ગઈકાલે બન્યો હતો.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી છે. રાજકીય પક્ષોના નેતાઓના વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં સર્ચ ઓપરેશનનો લાભ લઈને બદમાશોએ ૨૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ગાયબ થઇ ગયા હતા.
આ ઘટના મંગળવારે પુણે-બેંગલુરુ હાઈવે પર તાવડે હોટલ ફ્લાયઓવર નજીક બની હતી. આ બનાવ અંગે વેપારી સુભાષ લક્ષ્મણ હરણેએ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પાંચ ટીમ જે વાહનનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે તેના શકમંદોને શોધમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આ સરકારી પ્રક્રિયામાં શાતિર ગુનેગારો પણ પ્રવેશ કરશે. પીડિત સુભાષ લક્ષ્મણને લૂંટનારી બનાવટી ટીમમાં કેટલા લોકો સામેલ હતા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. તેની પાસે વિજિલન્સ અધિકારી હોવાનું કહીને રોકડની હેરાફેરી કરવામાં ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહીને વેપારી પાસેથી 25 લાખ રુપિયા લૂંટ ચલાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો :મુંબઈમાં સસ્તા ઘરો અને ખેડૂતોને MSP, કોલ્હાપુરમાં ઉદ્ધવ ઠાકરેએ આપ્યા 5 વચન
બીજી તરફ મહારાષ્ટ્રમાં વાહનોની તપાસ સતત ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન ચૂંટણી અધિકારીઓએ ઘણી રોકડ જપ્ત કરી છે. તાજેતરમાં જ પોલીસે ૩ કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. પાલઘરમાં પોલીસે શંકાના આધારે એક વાહનને રોકી તેની તલાશી લેતા તેમાંથી ૩.૭૦ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. એ જ રીતે મુંબઈમાં પણ એકસાથે ૨ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ૧૨ લોકોની અટકાયત કરી હતી.