પાલઘરના કાશીનાથ ચૌધરીનો ભાજપ પ્રવેશ અને વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહાણુ તાલુકામાં એનસીપી (એસપી)ને મોટો ફટકો આપવાના ઈરાદાથી ભૂતપૂર્વ જિલ્લા પરિષદના અધ્યક્ષ કાશીનાથ ચૌધરીને ભાજપમાં પ્રવેશ તો આપવામાં આવ્યો, પરંતુ તેમના પ્રવેશ બાદ સર્જાયેલા વિવાદ અને પાલઘરમાં થયેલા સાધુ હત્યાકાંડ સાથે તેમની સંલગ્નતા બહાર આવ્યા બાદ માત્ર 24 કલાકમાં પ્રદેશ પ્રમુખ દ્વારા આ પ્રવેશને મુલતવી રાખવામાં આવ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર ચવ્હાણે તાત્કાલિક રાજ્ય સ્તરથી ભાજપના પાલઘર જિલ્લા પ્રમુખ ભરત રાજપૂતને પત્ર મોકલીને આ નિર્ણયની જાણ કરી છે. આનાથી સ્થાનિક ભાજપ નેતૃત્વ અને કામગીરી પર સવાલો ઉભા થયા છે.
આપણ વાચો: ભાજપને મોટી સફળતા, વસંતદાદા પાટીલ પરિવારની જયશ્રી પાટીલનો ભાજપમાં પ્રવેશ
શરદ પવારની પાર્ટી એનસીપી (એસપી)ના ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ કાશીનાથ ચૌધરી 16 નવેમ્બરે તેમના વફાદાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ ભરત રાજપૂત, સાંસદ હેમંત સાવરા અને પ્રકાશ નિકમે આ માટે ખાસ પ્રયાસો કર્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં એનસીપીના ચહેરા તરીકે જાણીતા ચૌધરીના પ્રવેશથી દહાણુમાં એનસીપી (શરદ પવાર) જૂથને મોટો ઝટકો લાગ્યો હોવાની ચર્ચા હતી.
કાશીનાથ ચૌધરી સાધુ હત્યાકાંડ વખતે સ્થળ પર હાજર હોવાથી તેમની આ કેસ સાથે સંલગ્નતાની ચર્ચા હતી. ભાજપના જ નેતાઓએ તેમનો ઉલ્લેખ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઘણી વખત કર્યો હતો.
આપણ વાચો: કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પુત્રવધુનો ભાજપમાં પ્રવેશ, મરાઠાવાડ પર ભાજપની નજર
ભાજપમાં પ્રવેશ બાદ, મીડિયા અને સોશિયલ મીડિયામાં ચૌધરીની પાલઘર સાધુ હત્યા કેસમાં કથિત સંડોવણી અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ હતી. ઉપરાંત, કોંગ્રેસના યુવા પાલઘર જિલ્લા પ્રમુખ સત્યમ ઠાકુર અને એનસીપી (એસપી)ના રોહિત પવારે સોશિયલ મીડિયા પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હોવાથી, ભાજપ નેતૃત્વે આ મુદ્દાની તાત્કાલિક નોંધ લેવી પડી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે સોમવારે ભાજપના પાલઘર જિલ્લા પ્રમુખ ભરત રાજપૂતને મોકલેલા પત્રમાં ચૌધરીના પક્ષ પ્રવેશને સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કારણે, રાજકીય વર્તુળોમાં હાલમાં કાશીનાથ ચૌધરી અને ભાજપની ભૂમિકા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
આપણ વાચો: કૉંગ્રેસના વધુ એક સાંસદનો ભાજપમાં પ્રવેશ, સોશિયલ મીડિયા પર આપ્યું રાજીનામું
પ્રવેશ રદ કરવા પાછળની ભૂમિકા
અમને જાણ કરવામાં આવી છે કે પાલઘર સાધુ હત્યાકાંડ સાથે સંબંધિત પાલઘર જિલ્લામાંથી પાર્ટીમાં પ્રવેશ મેળવનારા કાશીનાથ ચૌધરીની ચર્ચા મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરી શરૂ થઈ છે.
સ્થાનિક સ્તરે પ્રાથમિક વિચારણા બાદ તથ્યોના આધારે તેમને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, કાશીનાથ ચૌધરીની પાર્ટી પ્રવેશ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી રહી છે, એમ રવીન્દ્ર ચવ્હાણ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે.
શું છે સાધુ હત્યાકાંડ કેસ
16 એપ્રિલ, 2020ના રોજ, પાલઘર જિલ્લાના ગઢચિંચલે ગામમાં એક ટોળકી દ્વારા બે સાધુઓ અને તેમના ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હતી, જેઓ ગુજરાત જઈ રહ્યા હતા. આ ક્રૂર અને કમનસીબ ઘટનાને સાધુ હત્યાકાંડ કહેવામાં આવે છે.
સુરતના બીજા એક વરિષ્ઠ સાધુ મહારાજના અંતિમ સંસ્કારમાં જઈ રહેલા સાધુ ચિકને મહારાજ કલ્પવૃક્ષગિરિ (70), સુશીલગિરિ મહારાજ (35) અને તેમના ડ્રાઇવર નિલેશ તેલંગડે (30)ને દાદરા નગર હવેલીના પ્રવેશદ્વાર પર રોકવામાં આવ્યા હતા કારણ કે તેમની પાસે કોરોના સમયગાળા દરમિયાન જિલ્લા અને રાજ્યને પાર કરવા માટે જરૂરી પરમિટ નહોતી.
જવાહર તરફ પાછા ફરતી વખતે, તેમને ગઢચિંચલેમાં વન વિભાગની ચોકી પર રોકવામાં આવ્યા હતા. ગામડાઓમાં અફવા ફેલાઈ હતી કે બાળ અપહરણકારોની ટોળકી પકડાઈ ગઈ છે અને ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. બાદમાં ટોળાએ ત્રણેયને ગંભીર રીતે માર માર્યો હતો, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું.



